Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

વિદેશમંત્રી એસ.જયશંકરે આતંકવાદ સામે આકરાપાણીએ: ચીન અને પાકિસ્તાનને લગાવી ફટકાર :યુએનને પણ ઘેર્યું

વિદેશ મંત્રી ડૉ. જયશંકર, યુએન સુરક્ષા પરિષદના વરિષ્ઠ સભ્ય દેશો અને યુએનના વરિષ્ઠ અધિકારીઓ સાથે 26/11ના સ્મારક સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી પીડિતોની યાદમાં એક મિનિટનું મૌન પાળ્યું

મુંબઈ :સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિની વિશેષ બેઠક મુંબઈમાં યોજાઈ હતી. મુંબઈમાં તાજ હોટલ ખાતે બે દિવસીય બેઠકના પ્રથમ દિવસે, યુએન સુરક્ષા પરિષદના તમામ પંદર સભ્ય દેશોના રાજદૂતોએ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વિદેશ મંત્રી ડૉ. જયશંકર, યુએન સુરક્ષા પરિષદના વરિષ્ઠ સભ્ય દેશો અને યુએનના વરિષ્ઠ અધિકારીઓ સાથે 26/11ના સ્મારક સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી પીડિતોની યાદમાં એક મિનિટનું મૌન પાળ્યું હતું. બીજા દિવસની બેઠક રાજધાની દિલ્હીમાં યોજાશે, જેમાં ચીનના રાજદ્વારીઓ પણ ભાગ લેશે.

આ બેઠક દરમિયાન જયશંકરે આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું હતું અને ચીન, પાકિસ્તાનને આડે હાથ લીધા હતા. તેમણે યુએનને ઘેરીને કહ્યું કે આતંકવાદને લઈને જે કામ થવાનું હતું તે હજુ પૂર્ણ થયું નથી. જયશંકરે કહ્યું કે, આતંકવાદ માનવતા, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો છે. અમે આજે પીડિતોનો અવાજ સાંભળ્યો છે. તેમનું નુકસાન અમાપ છે. ચાલો આપણે એ આઘાતને યાદ રાખીએ અને આતંકવાદના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવાના અમારા પ્રયત્નોમાં દ્રઢ રહીએ.

એસ,જયશંકરે વધુમાં જણાવ્યું હતું કે, આતંકવાદનો સામનો કરવાનું મુખ્ય પાસું આતંકવાદના ફાયનાન્સને અસરકારક રીતે રોકવાનું છે. આજે આતંકવાદ વિરોધી સમિતિ સ્થાનિક અને પ્રાદેશિક સંદર્ભમાં આતંકવાદના ધિરાણને રોકવા માટે નિષ્ણાતો સાથે પણ ચર્ચા કરશે.

  સમિતિ આ બેઠકમાં મુખ્યત્વે ત્રણ પડકારો પર વિચાર કરશે, જેમાં આતંકવાદી હુમલામાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ, ભંડોળ એકત્ર કરવા માટે ચુકવણીની નવી તકનીકનો ઉપયોગ અને ડ્રોન જેવા માનવરહિત હવાઈ ઉપકરણોનો ઉપયોગ સામેલ છે.

(6:30 pm IST)