Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

જયપુરમાં પત્નીની સફળતા માટે પતિએ બેંકની નોકરી છોડી અને ઘર, બાળકોને સંભાળ્યા

પત્નીએ ઉત્તર પ્રદેશની ઉચ્ચ ન્યાયિક સેવા પરીક્ષામાં ટોપ કર્યું અને પ્રથમ નંબર મેળવ્યોઃ મંજુલા ભાલોટિયાનો જન્મ જયપુરમાં થયો હતો. અજમેરમાં અભ્યાસ કર્યો, જે બાદ જયપુરથી એલએલબીની પરીક્ષા પાસ કરી લંડન ગઇ હતી

જયપુરઃ જયપુરની મંજુલા ભાલોટિયાને તેના પતિએ એટલો સાથ આપ્યો કે તેણે પત્નીને જજ બનાવવા માટે બેંકની પોતાની નોકરી છોડી, બાળકોની સંભાળ લીધી અને પતિ-પત્નીના આ બલિદાનનું પરિણામ એ આવ્યું કે પત્ની ટોચ પર આવી. તેણીએ ઉત્તર પ્રદેશની ઉચ્ચ ન્યાયિક સેવા પરીક્ષામાં ટોપ કર્યું અને પ્રથમ નંબર મેળવ્યો.

રાજસ્થાનથી લઈને ઉત્તરપ્રદેશ સુધી બંને પરિવારોમાં ખુશીનો માહોલ છે. મંજુલા જયપુરની છે, તેણે હરિયાણામાં લગ્ન કર્યા છે અને UPમાં ટોપ કર્યું છે. એક સાથે ત્રણ રાજ્યોમાં ઝંડા લહેરાવવાની મંજુલાની સફળતાની વાર્તામાં તેનો પતિ તેનો રોલ મોડેલ છે.

મંજુલા ભાલોટિયાનો જન્મ જયપુરમાં થયો હતો. અજમેરમાં અભ્યાસ કર્યો. જે બાદ જયપુરથી એલએલબીની પરીક્ષા પાસ કરી લંડન ગઇ હતી. UK થી MBA કર્યા પછી તેણે બે વર્ષ સુધી વિદેશી બેંકમાં નોકરી કરી. ત્યારબાદ તેણીએ હરિયાણાના રોહતક નિવાસી મિત્ર સુમિત સાથે લગ્ન કર્યા જે તેણીના અભ્યાસ દરમિયાન મળ્યા હતા. બંનેને બે બાળકો હતા. પણ હજુ જીવન અધૂરું લાગતું હતું. કંઈક બાકી હતું જે થઈ રહ્યું ન હતું.

મંજુલાએ તેના પતિની મદદથી ફરી અભ્યાસ શરૂ કર્યો. જ્યારે ઉત્તર પ્રદેશમાં ન્યાયિક સેવાઓ વિશે ખબર પડી ત્યારે મંજુલાએ ફરી તૈયારી શરૂ કરી. જ્યારે બાળકોની સંભાળ રાખવી એક પડકાર બની ગઈ, ત્યારે તેણે અભ્યાસ છોડી દેવાનું મન બનાવી લીધું હતું. પણ પતિએ સાથ આપ્યો. પત્નીને જજ બનાવવા માટે તેણે બેંકની નોકરી છોડી દીધી. પતિનો સહકાર મળતા મંજુલાએ સખત મહેનત શરૂ કરી અને અભ્યાસ કરવા માંડ્યો. જે બાદ જ્યારે પરિણામ આવ્યા તો ત્રણેય રાજ્યો એક સાથે ચોંકી ગયા. બે દિવસ પહેલાં જયારે પરિણામ જાહેર થયું ત્યારે ખબર પડી કે મંજુલાએ ટોપ કર્યું છે. સોશિયલ મીડિયા પર લોકો તેની પર અભિનંદનની વર્ષા કરવા લાગી ગયા છે.

દુનિયાની એ જુનવાણી વિચારધારામાં હવે એ મોટું પરિવર્તન આવ્યું છે કે દિકરી, વહુ કે પત્નીની કેરિયરમાં પરિવાર મદદ કરે છે.

(1:35 pm IST)