Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

LAC પર ડ્રેગનને સબક શીખડાવા ભારત પૂર્વ લદ્દાખમાં ન્યોમા એરફિલ્ડને કર્યુ અપગ્રેડ

BRO ન્યોમા એરફિલ્ડનું નિર્માણ કામ કરશેઃ ચીનની સરહદથી માત્ર 50 કિમી દૂરઃ અપગ્રેડેશન બાદ ભારતીય વાયુસેનાની તાકાત અનેક ગણી વધી જશેઃ ભારતીય વાયુસેના (IAF)ને દુશ્મનોના ખોટા સાહસોનો ઝડપથી સામનો કરવામાં મદદરૂપ થશેઃ ફાઈટર એરક્રાફ્ટની ઓપરેશનલ ક્ષમતા વધુ મજબૂત થશે

નવી દિલ્‍હીઃ ચીન સરહદ પર પોતાની દગાખોરીને બિલકુલ રોકી રહ્યું નથી. ભારત પણ ડ્રેગનની દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને તે મુજબ તેની યોજનાને વેગ આપી રહ્યું છે. દરમિયાન, એવા સમાચાર છે કે ભારત પૂર્વ લદ્દાખમાં ન્યોમા એરફિલ્ડને અપગ્રેડ કરવા જઈ રહ્યું છે. તે ચીનની સરહદથી માત્ર 50 કિમી દૂર છે. તેના અપગ્રેડેશન બાદ ભારતીય વાયુસેનાની તાકાત અનેક ગણી વધી જશે. તે ભારતીય વાયુસેના (IAF)ને દુશ્મનોના ખોટા સાહસોનો ઝડપથી સામનો કરવામાં મદદ કરશે. આ સાથે ફાઈટર એરક્રાફ્ટની ઓપરેશનલ ક્ષમતા વધુ મજબૂત થશે.

સેનાના અધિકારીઓએ આ જાણકારી આપી. તેમણે ગુરુવારે કહ્યું હતું કે સરહદ પર ચીન દ્વારા નવા મિલિટ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણના સમાચાર વચ્ચે ભારત ટૂંક સમયમાં પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)થી 50 કિમી દૂર ન્યોમા એરફિલ્ડને અપગ્રેડ કરવા જઈ રહ્યું છે. ન્યોમા એરફિલ્ડનો ઉપયોગ ચીનની સાથે ચાલી રહેલા સ્ટેન્ડઓફ દરમિયાન સૈનિકો અને હથિયારોની હિલચાલ માટે કરવામાં આવ્યો હતો.

ન્યોમા એરફિલ્ડ પર ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટર અને C-130J સ્પેશિયલ ઓપરેશન્સ જેવા એરક્રાફ્ટનું સંચાલન કરવામાં આવી ચૂક્યુ છે. આ એરફિલ્ડ અને મિલિટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું બાંધકામ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવશે. એક સંરક્ષણ અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે “LAGને જલ્દી જ ફાઈટર વિમાનના સંચાલન માટે અપગ્રેડ કરવામાં આવશે, કારણ કે આ માટે જરૂરી મંજૂરીઓ પહેલા જ મળી ચૂકી છે.” યોજના મુજબ BRO દ્વારા નવા એરફિલ્ડ અને લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે તેના અપગ્રેડ બાદ ફાઈટર એરક્રાફ્ટની ઓપરેશનલ ક્ષમતા વધુ મજબૂત થશે. સેનાના જવાનો અને હથિયારોની અવરજવરમાં વધારો થશે. તેનાથી વાયુસેનાને દુશ્મનોનો ઝડપથી સામનો કરવામાં મદદ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં બાંધકામનું ઉદ્ઘાટન કરવામાં આવશે. LACથી થોડી જ મિનિટોમાં પૂર્વ લદ્દાખમાં દૌલત બેગ ઓલ્ડી (DBO), ફુકચે અને ન્યોમા સહિત તમામ એરફિલ્ડ વિકસાવવા માટે ભારત ઘણા વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.

અપાચે એટેક હેલિકોપ્ટર, ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટર અને ગરુડ વિશેષ દળોને ન્યોમા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ (ALG) ખાતે Mi-17 હેલિકોપ્ટરથી સંચાલિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અજય રાઠીએ ન્યોમા જેવા અદ્યતન લેન્ડિંગ ગ્રાઉન્ડનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘ન્યોમા ALGનું વ્યૂહાત્મક મહત્વ ઘણું વધારે છે કારણ કે તે LACની નજીક છે. તે લેહ એરસ્પેસ અને LAC વચ્ચેના નિર્ણાયક અંતરને દૂર કરે છે અને પૂર્વી લદ્દાખમાં સૈનિકો અને સામગ્રીની ઝડપી હિલચાલને સક્ષમ બનાવે છે.

(11:35 am IST)