Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

નૂતન વર્ષના પ્રભાતે મોદી કેદારનાથમાં વિકાસકામોનું લોકાર્પણ કરશે : ગુજરાતમાં ૪ સ્થળોએ પ્રસારણ

સોમનાથ, દ્વારકા, ભવનાથ અને કોટેશ્વરમાં કાર્યક્રમ લાઇવ નિહાળી શકાશેઃ અન્યત્ર શિવમંદિરોમાં એલ.ઇ.ડી.સ્ક્રીન ગોઠવવા પ્રદેશ ભાજપની સુચના

રાજકોટ,તા. ૨૮ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી નવા વર્ષની સવારે ઉતરાખંડના સુપ્રસિધ્ધ તિર્થસ્થાન કેદારનાથ વિસ્તારમાં વિકાસકામોનું લોકાર્પણ કરનાર છે. તેના ગુજરાતના ૪ ધર્મસ્થાનો પર જીવંત પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાએ આ અંગે જિલ્લા એકમોને પરિપત્ર પાઠવેલ છે.

તા. ૫ નવેમ્બર નવા વર્ષના દિવસે વારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી કેદારનાથ મંદિર વિસ્તારમાં વિકાસના ઘણા બધા કામોનું ઉદ્ઘાટન કરવાના છે. સમગ્ર દેશમાં લાઇવ પ્રસારણ થવાનું છે. આદિ ગુરૂ શંકરાચાર્યજીની જ્યાં પધરામણી થઇ હોય તેવા ૮૭ મંદિરો (૪ ધામ, ૧૨ જયોતિલીંગ તેમજ શિવાલયો) પૈકી આપણા રાજ્યમાં મુખ્ય ચાર સ્થાનો (સોમનાથ, દ્વારકા, ભવનાથ-જૂનાગઢ અને કોટેશ્વર મંદિર -લખપત (કચ્છ)) મુકામે લાઇવ પ્રસારણ નિહાળવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવાનું છે.  આ ઉપરોકત ચાર સ્થાનોમાં વધુમાં વધુ સંખ્યામાં કાર્યકર્તાઓ, સાધુ સંતો તેમજ લોકો ઉપસ્થિત રહીને એલ.ઇ.ડી. સ્ક્રીનની વ્યવસ્થા કરીને કાર્યકર્તાઓ, સાધુ સંતો ઉપસ્થિત રહીને વધુમાં વધુ સંખ્યામાં લોકો વડાપ્રધાના લાઇવ કાર્યક્રમમાં સહભાગી થાય તેવું આયોજન કરશો. આ અંગેની સુચના નીચે મંડલ સ્તરે પહોંચાડશો તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહે તે અંગે અગાઉથી તેઓનો સંપર્ક કરીને આયોજન કરવાનું છે.

(12:30 pm IST)