Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

મારી સામે કેસ લડવા BMCએ વકીલને ૮૨ લાખ ચુકવ્યાઃ કંગના રનૌત

અભિનેત્રીના ફરી મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર : કંગના રનૌતના ગેરકાયદેસર બાંધકામના વિવાદ મામલે વકીલને મોટી રકમ ચુકવી હોવાનો અભિનેત્રીનો ખુલાસો

મુંબઈ, તા. ૨૮ : બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને નિડરતાથી પોતાનું મંતવ્ય વ્યક્ત કરતી જોવા મળે છે. થોડા દિવસ અગાઉ બીએમસીએ તેની મુંબઈ સ્થિત ઓફિસમાં તોડફોડ કરી હતી. તે ઘટના પર કંગનાએ ફરી એક વખત મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. કંગના રણૌતે ટ્વીટ કરીને કહ્યું કે, મ્યુનિસિપલ નિગમે મારા ઘર પર ગેરકાયદેસર રીતે તોડફોડ કરવા બદલ અત્યાર સુધીમાં વકીલ પર ૮૨ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે. એક યુવતીને હેરાન પરેશાન કરવા માટે તેઓએ જનતાના પૈસા વકીલ પર ખર્ચ્યા છે. આજે મહારાષ્ટ્ર જે સ્થિતિમાં છે તે ખરેખર ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

કંગનાએ પોતાના ટ્વીટમાં એક ન્યૂઝ ચેનલનો અહેવાલ જોડ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, મુંબઈ નગર નિગમે કંગના રણૌતના ગેરકાયદેસરના બાંધકામના વિવાદમાં વકીલ પાછળ ૮૨ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે. આરટીઆઈ કાર્યકર્તા શરદ યાદવે કંગના મામલામાં નિગમ દ્વારા નિયુક્ત કરેલા વકીલને ફી પેઠે કેટલા રૂપિયા આપ્યા તે માટેની માહિતી માગી હતી. નિગમ દ્વારા આપવામાં આવેલા જવાબમાં ૨૨ સપ્ટેમ્બર સુધી, ૨૨,૫૦,૦૦૦ અને ૭ ઓક્ટોબર સુધી, ૬૦,૦૦,૦૦૦ રૂપિયા અમે કુલ ૮૨,૫૦,૦૦૦ રૂપિયા ચૂકવ્યા છે.

(9:00 pm IST)