Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

બિહારમાં કોરોના ચુસ્ત ગાઇડલાઇન્સ વચ્ચે મતદાન : ૭૧ બેઠકો : ૨.૧૪ કરોડ મતદારો

૮ પ્રધાનો સહિત ૧૦૬૬ ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો

પટણા,તા.૨૮ :  બિહારમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૦ના  પહેલા ચરણની ૭૧ સીટો માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન સવાર ૭ વાગ્યે શરૂ થઈ ગયું છે, જે સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે. જોકે ચાર સીટો પર બપોરે ત્રણ વાગ્યા સુધી, ૨૬ સીટો પર સાંજે ચાર વાગ્યા સુધી અને ૫ સીટો પર સાંજે પાંચ વાગ્યા સુધી વોટિંગ થશે. ૨.૧૪ કરોડથી વધુ મતદારો ૧૦૬૬ ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે.

૨૮ ઓકટોબરે જે મંત્રીઓની કિસ્મત ઇવીએમમાં કેદ થશે, તેમાં બિહારના કૃષિ મંત્રી અને બીજેપીના નેતા ડો. પ્રેમ કુમાર, જેડીયૂ નેતા અને બિહારના શિક્ષણ મંત્રી કૃષ્ણ નંદન વર્મા, બીજેપીના નેતા અને શ્રમ મંત્રી વિજય કુમાર સિન્હા, બિહાર સરકારના અનુસૂચિત જાતિ જનજાતિ કલ્યાણ મંત્રી બૃજકિશોર બિંદ, બિહાર સરકારના પરિવહન મંત્રી અને જેડીયૂ નેતા સંતોષ કુમાર નિરાલા, ગ્રામીણ કાર્ય મંત્રી અને જેડીયૂ નેતા શૈલેશ કુમાર, બિહાર સરકારના વિજ્ઞાન તથા પૌદ્યોગિક મંત્રી જયકુમાર સિંહ અને રેવન્યૂ મંત્રી રામનારાયણ મંડળના નામ સામેલ છે. બિહારમાં કુલ ૭.૨૯ કરોડ મતદાર છે. પહેલા ચરણમાં જે ૭૧ સીટ પર આજે મતદાન થઈ રહ્યું છે, ત્યાં ૨.૧૪ કરોડથી વધુ મતદાર છે. એટલે કે ન્યૂઝલેન્ડથી ૬ ગણા વધારે. ન્યૂઝીલેન્ડમાં ૩૪.૮૭ લાખ મતદાર છે. અહીં મહિના પહેલા ચૂંટણી યોજાઈ હતી. એપ્રિલમાં દક્ષિણ કોરિયામાં પણ એક ચૂંટણી યોજાઈ હતી. ત્યાં પણ કુલ ૪.૩૯ કરોડ મતદાર હતા.આ પણ વાંચો, જમ્મુ-કાશ્મીરમાં હવે કોઈ પણ ખરીદી શકશે જમીન, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન

પહેલા ચરણમાં આરજેડીના ૪૨ ઉમેદવાર તો જેડીયૂના ૩૫ ઉમેદવારો ઉપરાંત બીજેપીના ૨૯, કોંગ્રેસના ૨૧, ભાકપા (માલે)ના ૮. હિન્દુસ્તાની અવામ મોર્ચા (હમ)ના ૬ અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઇપી)ના એક ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત એલજેપીના ૪૨ ઉમેદવારોનો નિર્ણય પણ આ ચરણના મતદાનમાં નક્કી થવાનો છે.

કોવિડ-૧૯ની વચ્ચે યોજાઈ રહેલી ચૂંટણીને ધ્યાને લઈ ચૂંટણી પંચે સુરક્ષિત મતદાન માટે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તે મુજબ એક મતદાન કેન્દ્રમાં મતદારોની સંખ્યા ૧૬૦૦થી ઘટાડીને ૧૦૦૦ કરી દેવામાં આવી છે.

(10:51 am IST)