Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

રિલાયન્સ ફાઉન્ડેશને વુમનકનેક્ટ ચેલેન્જના ભારતીય લાભાર્થીઓની જાહેરાત કરી

મહિલાઓને ટેક્નોલોજીથી સશક્ત કરવા માટે દસ સંસ્થાઓને ભંડોળ પૂરું પાડવામાં આવશે: સહાય મેળવનારી સંસ્થાઓ 17 રાજ્યોમાં ત્રણ લાખ (300,000) મહિલાઓ અને બાળકીઓ સુધી પહોંચશે: રિલાયન્સ ફાઉન્ડેશનની વુમનકનેક્ટ ચેલેન્જ ઇન્ડિયા ઇનિશિયેટિવ માટે રૂ. 8.5 કરોડ (1.1 મિલિયન અમેરિકી ડોલરથી વધુ)ની ફાળવણી

મુંબઈ : રિલાયન્સ ફાઉન્ડેશન અને યુ.એસ. એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) દ્વારા શરૂ કરવામાં આવેલી વુમનકનેક્ટ ચેલેન્જ, ઇન્ડિયા હેઠળ નાણાકીય સહાય મેળવનારી દસ સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે. આ પહેલ થકી, પુરુષ અને મહિલાઓ વચ્ચે ડિજિટલ અસમાનતા દૂર કરવા માટે રૂ. 11 કરોડ (1.5 મિલિયન અમેરિકી ડોલરથી વધુ)નું મૂડીરોકાણ કરવામાં આવશે, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન અસમાનતા દૂર કરવા માટેના નવીનત્તમ ઉપાયો અમલી બનાવનારી સંસ્થાઓને રૂ. 8.5 કરોડ (અંદાજે 1.1 મિલિયન અમેરિકી ડોલરથી વધુ)નું અનુદાન આપશે. પુરુષની સરખામણીએ મહિલાઓમાં ડિજિટલ અસમાનતાઓ દૂર કરવાના પ્રયાસો અને ટેક્નોલોજી દ્વારા મહિલાઓનું આર્થિક સશક્તીકરણ કરવાની અનેક પહેલ હેઠળ ત્રણ લાખ (300,000)થી વધુ મહિલાઓ અને બાળકીઓને 18 વધુ રાજ્યોમાં લાભ પહોંચશે.

આ જાહેરાત અંગે બોલતાં શ્રીમતી નીતા એમ. અંબાણી, સ્થાપક-અધ્યક્ષા, રિલાયન્સ ફાઉન્ડેશને જણાવ્યું કે, “જીવનના દરેક ક્ષેત્રમાં મહિલાઓને સક્ષમ અને સશક્ત બનાવવાનું અમારું મિશન રહ્યું છે. જ્યારે અમે જિયોની શરૂઆત કરી ત્યારે અમે જે ડિજિટલ ક્રાંતિની કલ્પના કરી હતી તે દરેકને સમાન તક આપે તેવી કલ્પના હતી. જિયો થકી અમે આપણા દેશના દરેક ખૂણે પોસાય તેવી કનેક્ટિવિટી પૂરી પાડી રહ્યા છીએ. ભારતમાં પુરુષ અને મહિલાઓ વચ્ચે ડિજિટલ જાણકારીની અસમાનતા દૂર કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન USAID સાથે ભાગીદારી કરીને કામ કરી રહ્યું છે. અસમાનતા દૂર કરવા માટે ટેક્નોલોજી એકસશક્ત માધ્યમ છે. પરિવર્તનની આ સફરમાં વુમનકનેક્ટ ચેલેન્જ ઇન્ડિયાના દસ વિજેતાઓને અભિનંદન આપું છું અને તેમને આવકારું છું.”

ચેલેન્જના દસ વિજેતાઓમાં અનુદીપ ફાઉન્ડેશન, બેરફૂટ કોલેજ ઇન્ટરનેશનલ, સેન્ટર ફોર યુથ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, ફ્રેન્ડ્સ ઓફ વુમન્સ વર્લ્ડ બેન્કિંગ, નાન્દી ફાઉન્ડેશન, પ્રોફેશનલ આસિસ્ટન્ટ ફોર ડેવલપમેન્ટ એક્શન, સોસાયટી ફોર ડેવલપમેન્ટ ઓલ્ટરનેટિવ્સ, સોલિડરિડેડ રિજિયોનલ એક્સપર્ટાઇઝ સેન્ટર, ટીએનએસ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ઝેડએમક્યૂ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. મહિલા ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને સેલ્ફ હેલ્પ ગ્રૂપ્સની મહિલાઓમાં ડિજિટલ અસમાનતાઓ દૂર કરવા માટે નવીનત્તમ ઉપાયો થકી મદદ કરવામાં આવશે. ધ વુમનકનેક્ટ ચેલેન્જ ઇન્ડિયા ઓગસ્ટ 2020માં શરૂ કરવામાં આવી હતી. 180 અરજીકર્તા સંસ્થાઓમાંથી 10 સંસ્થાઓને 12થી 15 મહિનાના સમયગાળા દરમિયાન રૂ. 75 લાખથી એક કરોડ સુધીની સહાય પૂરી પાડવા માટે પસંદ કરવામાં આવી છે. જાન્યુઆરી 2021માં USAID અને રિલાયન્સ ફાઉન્ડેશને સંયુક્ત રીતે સોલ્વર સિમ્પોસિયમનું આયોજન કરીને સેમિફાઇનલિસ્ટ્સને એકત્રિત કર્યા હતા અને સ્વતંત્ર નિષ્ણાતોએ ભારતમાં ડિજિટલ અસમાનતાના મુદ્દે ગહન ચર્ચાઓ કરી વિજેતાઓ નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

 

દર વર્ષે મહિલાઓમાં મોબાઇલ ઇન્ટરનેટ માટેની જાગૃતિ વધી રહી છે. વર્ષ 2017માં ભારતમાં મોબાઇલ ઇન્ટરનેટ વિશે માત્ર 19 ટકા મહિલાઓ જાગૃત હતી; જ્યારે વર્ષ 2020માં મહિલાઓમાં આ જાગૃતિનું પ્રમાણ 53 ટકા થયું હતું. જોકે, માલિકીપણાની વાત કરીએ તો 79 ટકા પુરુષોની સરખામણીએ મહિલાઓમાં મોબાઇલ ફોનની માલિકીનું પ્રમાણ 67 ટકા છે. પાછલા વર્ષો દરમિયાન, રિલાયન્સ ફાઉન્ડેશને તેના પ્રયાસો થકી આ ડિજિટલ અસમાનતા દૂર કરવાનું બીડું ઝડપ્યું છે. રિલાયન્સ જિયો થકી 1.3 અબજ ભારતીયોએ સમગ્ર દેશમાં ડિજિટલ ક્રાંતિનો અનુભવ કર્યો છે અને તેણે અનેક જિંદગીઓ પરિવર્તિત કરી છે. આજે, જિયો ભારતમાં સૌથી મોટી ડિજિટલ સેવાઓ પૂરી પાડનારી કંપની બની છે અને સમગ્ર વિશ્વમાં બીજી સૌથી મોટી કંપની છે, જેમાં મહિલા જિયો યુઝર્સની સંખ્યા 120 મિલિયન થવા જાય છે અને ડિજિટલ અસમાનતા ઘટાડવા માટે આ સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

મહિલાઓમાં ટેક્નોલોજીની પહોંચ અને તેના ઉપયોગના રસ્તાઓમાં મહત્વપૂર્ણ પરિવર્તનો લાવીને રોજબરોજની ગતિવિધિઓમાં તેમનું યોગદાન વધારવા માટેની વૈશ્વિક સ્તરની પહેલ એટલે ધ વુમનકનેક્ટ ચેલેન્જ. ભારતમાં પુરુષોની સરખામણીએ મહિલાઓની ડિજિટલ ક્ષેત્રની અસમાનતાઓ દૂર કરવા માટેના નવતર ઉપાયો હાથ ધરવા યુએસએઇડ અને રિલાયન્સ ફાઉન્ડેશન સહાય કરી રહ્યા છે. આ વખતની વિજેતા સંસ્થાઓ અગાઉ યોજાઈ ગયેલા વુમનકનેક્ટ રાઉન્ડની સિદ્ધ થયેલી રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને મહિલાઓનું આર્થિક સશક્તીકરણ કરશે

(6:41 pm IST)