Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ઉમેદવાર સંદર્ભમાં ચર્ચા કરવા આજે ભાજપની મિટિંગ મળશે

મહારાષ્ટ્ર અને હરિયાણામાં ઉમેદવારો પર ચર્ચા : ભાજપ અને શિવસેના વચ્ચે બેઠકો વહેંચણીને લઇને હજુ સુધી નિર્ણય લેવાયો નથી : ટોપ નેતાઓ બેઠકમાં પહોંચશે

નવીદિલ્હી,તા.૨૮ : મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટેની તારીખો જાહેર થયા બાદ બેઠકોનો દોર અને વ્યૂહરચના ઘડી કાઢવા માટેની રણનીતિ ઉપર સતત ચર્ચા ચાલી રહી છે. આના ભાગરુપે આવતીકાલે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળનાર છે જેમાં મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ ઉપર ચર્ચા કરવામાં આવનાર છે. આ કવાયતમાં ભાજપ અને શિવસેના વચ્ચે સંબંધોને લઇને પણ ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. ભાજપ અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણીના મુદ્દા ઉપર હજુ દુવિધાભરી સ્થિતિ દેખાઈ રહી છે. બંને પાર્ટીઓ આશાવાદી હોવા છતાં હજુ સુધી બેઠકોની વહેંચણી મુદ્દે કોઇ નિર્ણય લઇ શકાયો નથી.  શિવસેના પણ બાંધછોડ કરવા માટે તૈયાર નથી.

            વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારના દિવસે અમેરિકાની સાત દિવસની સફળ યાત્રા બાદ સ્વદેશ પરત ફર્યા હતા જેના લીધે આવતીકાલે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. ભાજપની ચૂંટણી સમિતિની બેઠક સાંજે મળશે જેમાં ઉમેદવારોના પ ાસા ઉપર ચર્ચા કરવામાં આવનાર છે. પાર્ટી પ્રમુક અમિત શાહે પહેલાથી જ આ સપ્તાહમાં મહારાષ્ટ્ર અને હરિયાણાના નેતાઓ સાથે બેઠક યોજી છે. ભાજપ કોર ગ્રુપની સાથે બેઠક યોજીને અમિત શાહે તમામ પાસા ઉપર તૈયારી કરી લીધી છે. એક યાદી પણ ઉમેદવારોની કામચલાઉ ધોરણે તૈયાર કરી લેવામાં આવી છે. હરિયાણામાં સ્થિતિ બિલકુલ સ્પષ્ટ છે. જ્યાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડનાર છે પરંતુ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે બેઠકોની વહેંચણી મુદ્દે દુવિધા રહેલી છે. ભાજપના સુત્રોનું કહેવું છે કે, એક ફોર્મ્યુલા ઉપર ચર્ચા જારી છે તેમાં મુદ્દો એ છે કે, ૨૦૧૪માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બંને પાર્ટીના દેખાવના આધારે નિર્ણય લેવામાં આવશે.

          છેલ્લી ચૂંટણીની વાત કરવામાં આવે તો શિવસેનાએ અલગરીતે ચૂંટણી લડી હતી અને ૬૩ સીટ ઉપર જીત મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીએ પણ જોરદાર દેખાવ કર્યો હતો. શિવસેના આ વખતે નાના ભાઈની ભૂમિકામાં છે જ્યારે ભારતીય જનતા પાર્ટી હાલમાં તેના દેખાવના લીધે વધુ આક્રમકરીતે આગળ વધવા માટે ઇચ્છુક છે. મહારાષ્ટ્ર અને હરિયાણા બંને જગ્યાએ તૈયારીના મામલામાં ભાજપ અન્ય પાર્ટીઓ કરતા ખુબ આગળ છે. કોંગ્રેસ અને એનસીપી દ્વારા હજુ ઉમેદવારોને લઇને નક્કર વાતચીત પણ થઇ નથી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ સંભવિત યાદી પણ તૈયાર કરી છે.

(7:46 pm IST)