Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

યુનોમાં મોદીએ જીત્યો સમગ્ર વિશ્વનો વિશ્વાસઃ વિશ્વનેતાને છાજે તેવું પ્રવચનઃ છવાઇ ગયા

ભારતે સ્પષ્ટ કહી દીધું કે કાશ્મીર અમારો આંતરિક મામલો છે

નવી દિલ્હી, તા.૨૮: UNGAનું  ૭૪મું વાર્ષિક સત્ર પૂર્ણ થવામાં છે. ત્યારે આર્ટિકલ ૩૭૦ દૂર કર્યા બાદ ભારતના કૂટનીતિક અભિયાનનો પહેલો અધ્યાય પણ પૂરો થઈ ચૂકયો છે. વડાપ્રધાન મોદીએ સુંયુકત રાષ્ટ્રમાં મહાસભામાં પોતાના સંબોધનમાં દુનિયાને સ્પષ્ટ સંદેશો આપ્યો કે કાશ્મીર પર લેવામાં આવેલો નિર્ણય ફકત અને ફકત કાશ્મીરના વિકાસ માટે છે. તેમજ આ ભારતનો આંતરિક મામલો છે.

ભારતે દુનિયા સામે સ્પષ્ટ કર્યું કે ભારત જ નહીં દુનિયા સામે પણ વાસ્તવિક મુશ્કેલી આંતકવાદ છે અને તેનાથી સમગ્ર વિશ્વ પ્રભાવિત છે. આ આતંકવાદનું કેન્દ્રબિંદુ પાકિસ્તાન છે. તેની સાથે જો કોઈ ચર્ચા થશે તો તે ફકત દ્વિપક્ષીય થશે. કોઈ ત્રીજા દેશને આ ચર્ચામાં હસ્તક્ષેપ નહીં કરવા દેવામાં આવે. ચીન અને પાકિસ્તાનને છોડીને લગભગ સમગ્ર દુનિયા ભારતની દલીલને માન્ય રાખી છે. હવે એટલા માટે જ સરકાર જ નહીં નરેન્દ્રભાઇ મોદી માટે પણ હવે બીજુ ચરણ વધુ મુશ્કેલ બનશે કેમ કે તેમણે જે વાયદા ભારત, કાશ્મીર અને દુનિયા સામે કર્યા છે તેને પૂરા કરીને દેખાડવા પડશે.

અમેરિકન વિદેશ વિભાગની અધિકારી એલિસ વેલ્સે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમે આશા કરીએ છીએ કે ભારત સરકાર સ્થાનિક નેતાઓ સાથે વાતચીત કરશે અને જલ્દથી આ વિસ્તારમાં ચૂંટણી આયોજીત કરાવશે. પીએમ મોદીએ વાયદો કર્યો છે કે કાશ્મીરની સ્થિતિમાં કરવામાં આવેલા ફેરફારથી જીવનસ્તર વધુ સુધરશે અને અમે આશા છે કે તેઓ વાયદો પૂરો કરશે.'

સાથે જ તેમણે સ્પષ્ટ ઈશારો કર્યો કે પાકિસ્તાન પર પણ સીમાપારના આતંકવાદને અટકાવવા માટે દબાણ વધારવામાં આવશે. આ દબાણ ઓકટોબરમાં તેની અસર દેખાડવાનું શરું કરશે. આ મહિના દરમિયાન ટેરર ફંડિંગ અને મની લોન્ડ્રિંગને અટકાવવામાં સદંતર નિષ્ફળ નિવડેલા પાકિસ્તાનને FATF દ્વારા બેલ્ક લિસ્ટમાં મુકવામાં આવી શકે છે.

બીજી તરફ ઈમરાન ખાન ગત સંપૂર્ણ સપ્તાહ અમેરિકામાં રહ્યા અને આ દરમિયાન તેમણે જયાં પણ મોકો મળ્યો ત્યાં ફકત અને ફકત ભારતની બુરાઈ અને પીએમ મોદીની બુરાઈ કરવાના ભરસક પ્રયાસ કર્યા તેમજ યુદ્ઘ અને પરમાણુ યુદ્ઘ જેવી શકયતાઓ પર જોર આપીને પોતાની તેમજ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય છબીને વધુ ખરડી. આ બાબતે અમેરિકન વિદેશ વિભાગે ઇમરાન ખાનના તમામ દાવાઓ પર અવિશ્વાસ પ્રગટ કરતા કહ્યું કે પાકિસ્તન કાશ્મીરના મુસલમાન નામે કાગારોળ મચાવે છે પરંતુ ચીનમાં જ ઉઈગર મુસ્લિમો અંગે એક હરફ સુદ્ઘાં ઉચ્ચારતું નથી. પાકિસ્તાને પહેલા તો આતંકવાદને પોષવાનું બંધ કરવું જોઈએ ત્યારબાદ વૈશ્વિક મંચ પર પોતાને યોગ્ય સાબિત કરવું જોઈએ પછી કોઈ પર આંગળી ચીંધવી જોઈએ.

(11:04 am IST)