Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પાકિસ્તાનની એક યૂનિવર્સિટીનું ગજબનું ફરમાનઃ છોકરા-છોકરી સાથે નહી ફરી શકે

નવી દિલ્હી, તા.૨૮: પાકિસ્તાનની એક યૂનિવર્સિટીમાં ગજબનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના પ્રાંત ખૈબર પખ્તૂનખ્વાના ચારસદ્દામાં સ્થિત બાચા ખાન વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ એક સાથે નહી ફરી શકે.

આ સકર્યુલર ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ બાચા ખાન યૂનિવર્સિટીના સહાયક ચીફ પ્રોકટર ફરમુલ્લાહ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિસ જાહેર કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને એકસાથે ફરવા પર પ્રતિબંધ લગાવતા કપલિંગ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

જાહેર કરવામાં આવેલા સકર્યુલરમાં કહેવામાં આવ્યું છે કે આ એકિટવિટી ગૈર-ઈસ્લામિક છે અને વિદ્યાર્થીઓને આ પ્રકારની ગતિવિધિઓમાં જોડાતા રોકે છે. સકર્યુલરમાં લખવામાં આવ્યું છે કે, જો છોકરો અને છોકરી એક સાથે ફરતા દેખાશે તો તેની ફરિયાદ તેના માતા પિતાને કરી દેવામાં આવશે. જેના માટે તેમને મોટો દંડ પણ કરવામાં આવી શકે છે.

આમાં કહેવામાં આવ્યું છે કે, તમામ વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવે છે કે, વિશ્વવિદ્યાલયમાં અનૈતિક ગતિવિધિઓ ચાલી રહી છે. આને અયોગ્ય, ગૈર ઈસ્લામિક, ગૈર સાંસ્કૃતિક સંબંધોને ચલાવી નહી લેવામાં આવે. યૂનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ વાત સમજી લે કે કપલિંગ એટલે કે છોકરો-છોકરી એક સાથે ફરે તેની મંજૂરી નથી. જો આ આદેશ બાદ પણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એક સાથે ફરતા દેખાયા તો તેમના વિરુદ્ઘ કડક કાર્યવાહી કરવામાં આવશે.

(10:07 am IST)