Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

૨૦૧૯માં રામ મંદિર ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનશે એ નક્કી

સુપ્રિમકોર્ટમાં અડચણો દૂર થઇ જવાથી ભાજપની છાવણી ખુશઃ ૧૯૯૧-અને ૧૯૯૬માં આ મુદ્દે યોજાઇ હતી ચૂંટણીઃ અયોધ્યા કેસનો ફેંસલો વ્હેલા આવવાની સંભાવના વધી ગઇ છેઃ લોકોની રૂચી પણ આ મુદ્દે રહેશે

નવી દિલ્હી તા.૨૮: સામાન્ય ચૂંટણી સુધી ફેંસલો આવે કે ન આવે પણ આવતી લોકસભાની ચૂંટણી એ રામ મંદિર વિવાદ ફરીથી મુખ્ય મુદ્દો બને એ માટેનો માર્ગ મોકળો થઇ ગયો છે. ગઇકાલે સુપ્રિમ કોર્ટના ફેંસલાને કારણે આ વિવાદની સુનાવણીનો માર્ગ પણ નક્કી થઇ જવાથી ભાજપ ખુશ છે. સુપ્રિમ કોર્ટમાં આ મામલાની સુનાવણી એવા સમયે શરૂ થઇ રહી છે કે જયારે સામાન્ય ચૂંટણી નજીક છે. એવામાં અદાલતની કાર્યવાહી દરમ્યાન બંને પક્ષોની ટીપ્પણીઓ અંગે દેશવ્યાપી ચર્ચા થશે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ ફેંસલાને મુળભુત અધિકારોની નજીક ગણાવતા વ્હેલી તકે મંદિર નિર્માણની તરફેણ કરી છે.

૧૯૯૧ અને ૧૯૯૬ની ચૂંટણીઓમાં રામ મંદિર વિવાદ કેન્દ્ર સ્થાને હતો તે પછી ૧૯૯૮,૧૯૯૯, ૨૦૦૨,૨૦૦૯ અને ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં આ વિવાદ ધીમે-ધીમે ગાયબ થતો જોવા મળ્યો હતો. એટલું જ નહિ વાજપેઇ સરકાર દ્વારા જાન્યુઆરી ૨૦૦૨માં બંને પક્ષોની વાતચીત માટે અયોધ્યા વિભાગની રચના, ૨૦૦૩મા઼ અલ્હાબાદ હાઇકોર્ટના પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને ખોદકામનો આદેશ, જુલાઇ ૨૦૦૯માં બાબરી મસ્જિદે રામ મંદિર વિધ્વંશની તપાસ માટે રચાયેલ લિબ્રાહન પંચનો રિપોર્ટ આવવો અને ૩૦ સપ્ટે. ૨૦૧૦ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટના ફેસલા બાદ પણ આ વિવાદ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો ન્હોતો બન્યો.

હવે સુપ્રિમ કોર્ટના ફેંસલા બાદ આ વિવાદના નીવેડા માટે વ્હેલી સુનાવણીનો માર્ગ મોકળો થઇ ગયો છે. તેથી ચૂંટણીમાં તે કેન્દ્રીય મુદ્દો બને તેવી શકયતા વધી ગઇ છે.

આ કેસનો ફેંસલો પણ વ્હેલો આવે તેવી શકયતા છે. એવામાં લોકોનો રસ પણ આ મુદ્દા સાથે રહેશે.(૧.૧૨)

(11:56 am IST)