Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ૧૦.૫ કરોડની કાર : બોમ્‍બના હુમલાની પણ કોઇ અસર નહીં

ટ્રમ્‍પની કારના દરવાજા બોઇંગ વિમાન જેટલા મજબૂત

ન્‍યુયોર્ક તા. ૨૮ : દુનિયાના સૌથી શક્‍તિશાળી નેતાનું નામ આવે એટલે અમેરિકાના રાષ્ટ્રપતિનું નામ જ આવે, જેને જગતનો જમાદાર પણ કહેવામાં આવે છે. દુનિયાના સૌથી શક્‍તિશાળી દેશના રાષ્ટ્રપતિની સુરક્ષા પણ એટલી જ ફૂલપ્રૂફ હોય એમાં બેમત નથી. પછી તેમની કાર જ કેમ ન હોય. તાજેતરમાં જ યુએસ સીક્રેટ સર્વિસ દ્વારા પ્રથમ વખત રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની કારના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્‍યા છે અને ત્‍યારથી જ તે ચર્ચાનો વિષય પણ બની ગયા છે.

ડોનાલ્‍ડ ટ્રમ્‍પની એક કારની કિંમત સાંભળીને જ કદાચ તમે ચોંકી જશો તો પછી તેની વિશેષતાઓ કેટલી હશે. ડોનાલ્‍ડ ટ્રમ્‍પની એક કાર રૂ.૧૦.૫ કરોડ (૧૧ લાખ પાઉન્‍ડ)ની કિંમતની છે. તેની વિશેષતાઓનું લિસ્‍ટ પણ એટલું જ લાંબુ છે.

જનરલ મોટર્સ દ્વારા કેડિલેક નામથી આ કારનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. તેના નિર્માણ કરાયા બાદ પ્રથમ વખત આ કારને સામાન્‍ય પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવી છે. જોકે, જનરલ મોટર્સ દ્વારા તેની વિશેષતાઓ જાહેર કરાઈ નથી, પરંતુ એક વાત તો સ્‍પષ્ટ છે કે તેમાં જૂની કારની વિશેષતાઓ તો હશે જ જે રાષ્ટ્રપતિની કારમાં હોય છે. તેમાં લશ્‍કરી સામાનની પણ સંપૂર્ણ વ્‍યવસ્‍થા છે.

કારના ટાયર એવા વિશિષ્ટ છે કે તેમાં પંચર પડી જાય તો પણ તમે કારને ઈચ્‍છો ત્‍યાં સુધી લઈ જઈ શકો છો. અમેરિકાના રાષ્ટ્રપતિની કારના ટાયરની સપાટી જ ૮ ઈંચ જેટલી જાડી રાખવામાં આવી છે. તેના દરવાજાનું વજન બોઈંગ ૭૫૭ વિમાનના દરવાજા જેટલું હોય છે.

કારનું ઈન્‍ટિયર એવી રીતે તૈયાર કરવામાં આવ્‍યું છે કે કોઈ પણ પ્રકારના બાયોલોજિકલ કે કેમિકલ હુમલાની તેના અંદર રહેલી વ્‍યક્‍તિને કોઈ અસર થતી નથી. હવે, રાષ્ટ્રપતિ અંદર બેસતા હોય એટલે લક્‍ઝરીની તો વાત જ કરવાની ન હોય. કાર અને ડ્રાઈવર મેગેઝીને તેને જૂના વર્ઝન કરતાં વધુ આકર્ષક જણાવી છે.

ડોનાલ્‍ડ ટ્રમ્‍પની નવી કારની વિશેષતાઓ કંઈક આવી છે...

- તેની બોડી ૮ ઈંચ જાડા આર્મર પ્‍લેટિંગથી બનેલી હોય છે

- ફયુઅલ ટેન્‍ક સંપૂર્ણપણે બ્‍લાસ્‍ટ પ્રૂફ હોય છે

- તેમાં એક એક્‍સિજન્‍ટનની ટાંકી પણ હોય છે

- બ્‍લડ સપ્‍લાયની પણ તેમાં વ્‍યવસ્‍થા હોય છે

- તેના અંદર એક લાઈફ સપોર્ટ સિસ્‍ટમ પણ હોય છે

- કારની બારીનો કાચ ૫ ઈંચ જાડો અને બૂલેટપ્રૂફ હોય છે

- તેના અંદર પેન્‍ટાગોન સાથે સંપર્ક સાધવા માટે એક ડાયરેક્‍ટ

  લાઈનની વ્‍યવસ્‍થા હોય છે

- આ કાર પર કેમિકલ-બાયોલોજિકલ હુમલાની કોઈ અસર થતી નથી

- તેમાં અશ્રૃવાયુના કેનસ્‍ટર હોય છે, એટલે જરૂર પડે ત્‍યારે તે

  અશ્રુવાયુ પણ છોડી શકે છે

- ગમે તેવો રસ્‍તો હોય, ટાયરમાં પંચર પડી જાય તો પણ કાર ચાલતી

  રહે છે

(11:20 am IST)