Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

ડૂબી રહી હતી સ્કૂલ બસ : બચાવ્યો ૨૮ બાળકોનો જીવ

બસની છત સુધી આવી ગયું પાણી

મેરઠ તા. ૨૮ : મેરઠમાં શુક્રવારે ભારે વરસાદ દરમિયાન ૨૮ બાળકોએ મોતને ઘણી જ નજીકથી જોયું. પાણી ભરાવવાને લીધે રેલવે અંડરપાસમાં ઘણું પાણી ભરાઈ જવાથી એક સ્કૂલ બસ તેમાં ડૂબી ગઈ. માત્ર બસની છત જ પાણીની બહાર દેખાઈ રહી હતી. આખી બસમાં પાણી ભરાઈ ગયું હતું અને બાળકોની બૂમો સંભળાઈ રહી હતી. સ્થિતિને જોતાં, બસ સ્ટાફ, બાળકો અને ગામ લોકોના શ્વાસ લગભગ ૩૦ મિનિટ સુધી અટકી ગયા, પરંતુ ડ્રાઈવર સુરેન્દ્ર અને ગામના સરતાજ નામના વ્યકિતની બહાદુરીથી બાળકોને બચાવી લેવામાં આવ્યા. વેસ્ટ યુપીમાં ભારે વરસાદનો સીલસીલો શુક્રવારે પણ ચાલુ છે. સ્થિતિ એવી ઊભી થઈ ગઈ કે ઘરોમાં અને રસ્તાઓ તળાવ બની ગયા છે. ત્યાં સુધી કે રસ્તા પર પાણી ભરાઈ જવાને લીધે વાહન ચાલકોને અંદાજ લગાવીને ડ્રાઈવિંગ કરવું પડી રહ્યું છે. બપોરે મેરઠના પરતાપુર અને ખરખૌંદા વચ્ચેના ચંદસારા ગામમાં રેલવે અંડરપાસ પર મોટો અકસ્માત થતો બચી ગયો.

વરસાદના પાણીમાં સ્કૂલની બસ લગભગ આખી ડૂબી ગઈ હતી. બસની છત જ બહાર દેખાતી હતી. જે બસ ડૂબી તે એનકેબીઆર સ્કૂલ ફફૂંડાની હતી. સ્કૂલ છૂટ્યા બાદ ૨૮ બાળકો ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં આવતા રેલવે અંડરપાસમાં ભારે વરસાદને કારણે ઘણું પાણી ભરાઈ ગયું હતું. વધુ પાણી ભરાયેલું જોઈ ડ્રાઈવર સુરેન્દ્રએ ધીરે-ધીરે બસને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થિતિ એવી થઈ ગઈ કે પાણી વધતું ગયું અને બસ પાછી લઈ જઈ શકાય એવું પણ ન રહ્યું. જોત-જોતામાં બસમાં કાચ સુધી પાણી ભરાઈ ગયું અને બસ ડૂબવા લાગી.

ડ્રાઈવરે કોઈ રીતે બાળકોને ઈમરજન્સી એકિઝટથી બહાર કાઢવાનું શરૂ કર્યું. બાળકોની બૂમો સાંભળી ચંદસારા ગામનો સરતાજ ફરિશ્તો બનીને આવ્યો. તેણે સાહસ બતાવતા પાણીમાં છલાંગ લગાવી દીધી અને ડ્રાઈવરની મદદથી બાળકોને બસમાંથી બહાર કાઢવાનું શરૂ કરી દીધું અને આ રીતે બાળકોને બચાવી લેવાયા.જે દરમિયાન બાળકોને બહાર કાઢવામાં આવી રહ્યા હતા, એ દરમિયાન જ ટ્રેન આવી ગઈ. લોકો ગંભીર અકસ્માતની આશંકાથી ડરી ગયા. જાણકારોનું કહેવું છે કે, સારું છે કે, બધા બાળકો ૧૧થી ૧૫ વર્ષના હતા. તેમણે બહાર આવવામાં સહકાર આપ્યો. લોકોમાં ડર હતો કે જો નાની ઉંમરના બાળકો હોત તો મોટી દુર્ઘટના થઈ ગઈ હોત.(૨૧.૩)

(10:14 am IST)