Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

કોરોના પછી લીવીંગ રૂમમાં ઓકસીજન પ્લાન્ટસ રાખવાનો વધતો ક્રેઝ...

સ્નેક પ્લાન્ટ નામનો છોડ ર૪ કલાક ઓકસીજન છોડે છેઃ અરલીયા એક ઔષધી ગુણ ધરાવતો અદભુત છોડ છે તેને બેડરૂમમાં રાખવાથી, તેના પાંદડાને અડવાથી તણાવ ઓછો થઇ જાય છેઃ ઘાટા લીલા રંગની પીસ લીલી હવા શુધ્ધ કરે છે

જોધપુર, તા., ૨૮: કોરોનાના કારણે  આપણી  દિનચર્યા  અને ઘરના એન્ટીરીયરમાં ઘણો બધો બદલાવ આવી રહયો છે. વૃક્ષો અને છોડ પરત્વે લોકોમાં જાગૃતી આવી રહી છે. પોતાના ઘરોમાં લીવીંગ રૂમમાં અને બેડરૂમમાં ઓકસીજનની કમી પુરી કરતા છોડ રાખવાનો ક્રેઝ વધ્યો છે.

કેટલાય એવા ઇન્ડોર પ્લાન્ટસ છે કે જે ડ્રોઇંગ રૂમ અને બેડરૂમમાં રાખવાનું ચલણ વધ્યું છે. આ છોડની ખાસીયત એ છે કે સુંદર દેખાવાની સાથે તે કાર્બન ડાયોકસાઇડ અને અન્ય ઝેરીલા ગેસ ગ્રહણ કરી ઓકસીજન વાતાવરણમાં છોડે છે.

અરલીયા નામનો ઇન્ડોર પ્લાન્ટ એક રીતે ઔષધીય ગુણ ધરાવે છે. દેખાવમાં ખુબસુરત છે. આ છોડને બેડરૂમમાં રાખી શકાય છે. તેના પાંદડાને અડવા માત્રથી આપણો  સ્ટ્રેસ ઘટે છે. છોડના રખાઉ પાછળ કોઇ વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેતી નથી.

આયુર્વેદનું મહત્વ ધરાવતો સ્પાઇડર નામનો છોડ આફ્રીકી મૂળનો છે. તેનું વૈજ્ઞાનીક નામ કલોરોફાઇટમ કોમોસમ છે. આ પ્લાન્ટ ઘરમાં ફેલાતી ઝેરીલી ગેસને શોષી લેવાનું કામ કરે છે. આયુર્વેદમાં પણ તેનું વિશેષ મહત્વ છે. આના મુળમાંથી જ સફેદ મુસળી બનાવવામાં આવે છે.

પીસ લીલી નામનો પ્લાન્ટ વાતાવરણ ચોખ્ખુ કરવાનું કામ કરે છે. ઘાટા લીલા રંગ ઉપરાંત સફેદ પાંદડા ધરાવે છે. માટે તેને પીસ લીલી કહેવાય છે. ઘરના વાતાવરણમાં ટોકસીન, કાર્બન ડાયોકસાઇડ, બેજીન જેવા ઝેરીલા તત્વોને શોધી કાઢી વાતાવરણ શુધ્ધ કરવાનું કામ આ છોડ કરે છે.

સંસેવીયા ટ્રીફસીયાટા નામનો આ છોડ જીભની જેમ લાંબો છે. આ ર૪ કલાક ઓકસીજન આપવાનંુ કામ કરે છે. છોડની વિશેષતા એ છે કે દિવસ ઢળી ગયા પછી પણ તે ઓકસીજન છોડવાનું કામ કરે છે. કાર્બન ડાયોકસાઇડને ગ્રહણ કરી ઓછુ પાણી અને ઓછા સુર્યપ્રકાશમાં પણ તે હર્યોભર્યો રહે છે.

મુખ્ય વન સંરક્ષક (વિકાસ) દીપ નારાયણ પાંડે જણાવે છે કે એક વ્યકિતને  આખી જીંદગી માટે ૮ વૃક્ષોની જરૂર પડે છે. ઘરમાં ફુલ ઝાડ રાખવાથી પણ મનોવૈજ્ઞાનીક પ્રભાવ પડે છે. તુલશી, ગળો, અશ્વગંધા જેવા છોડ પણ ઘરની અંદર રાખી શકાય છે. એક જ પ્રકારના ઇન્ડોર પ્લાન્ટસની બબ્બે જોડી રાખવાથી તેમને એક પછી એક સુર્ય પ્રકાશમાં અને ખુલ્લા વાતાવરણમાં રાખી શકાય છે. જોધપુરના નર્સરી વિશેષજ્ઞ જણાવે છે કે આ વખતે જુદા જુદા પ્લાન્ટસની ઘણી ડીમાન્ડ નીકળી છે.

(3:33 pm IST)