Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ટ્વીટરની નાલાયકી...જમ્મુ-કાશ્મીર અને લદાખને અલગ દેશ બતાડ્યો

ફરી એક વખત માઈક્રોબ્લોગીંગ સાઈટ ટ્વીટર વિવાદમાં: ટ્વીટરે તેની વેબસાઈટ પર ભારતનો નકશો દર્શાવ્યો તેમા જમ્મુ-કાશ્મીર અને લદાખ નથીઃ તેને બોર્ડરની બહાર બતાડયા : ભારત સરકાર સાથેનો વિવાદ વકરી શકે છેઃ સોશ્યલ મીડિયા ઉપર લોકો ટ્વીટર ઉપર માછલા ધોઈ રહ્યા છેઃ ભારે ટીકા

નવી દિલ્હી, તા. ૨૮ :. ટ્વીટર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલ વિવાદ હવે વધુ વકરે તેવી શકયતા છે. આ વખતે ભારતના નકશા સાથે છેડછાડ કરવાને લઈને વિવાદ ઉભો થાય તેવી શકયતા છે.

ફરી એક વખત માઈક્રોબ્લોગીંગ સાઈટ ટ્વીટર વિવાદોમાં છે. ટ્વીટરની વેબસાઈટ ઉપર જમ્મુ-કાશ્મીર અને લદાખને અલગ દેશ તરીકે દર્શાવવામાં આવેલ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત સરકાર ટ્વીટર સામે આ બાબતે કાર્યવાહી કરી શકે છે.

સરકારી સૂત્રોએ જણાવ્યુ છે કે ટવીટરે પોતાની વેબસાઈટ પર ભારતનો જે નકશો બતાવ્યો છે તેમા જમ્મુ-કાશ્મીર અને લદાખને સામેલ નથી કર્યુ. આરોપ છે કે ટ્વીટરે પોતાની વેબસાઈટ પર જમ્મુ-કાશ્મીરને બે અલગ અલગ દેશ તરીકે બતાડેલ છે.

ટ્વીટરના કેરીયર પેઈજ પર ટ્વીપલાઈફ સેકશનમાં વર્લ્ડમેપ છે, જ્યાંથી કંપની એ દર્શાવે છે કે દુનિયાભરમા ટ્વીટરની ટીમ છે. આ નકશામાં ભારત પણ છે, પરંતુ ભારતનો નકશો વિવાદીત બતાડવામાં આવેલ છે. આ પહેલા પણ લદાખને ભારતનો હિસ્સો નહોતો બતાડયો. જો કે બાદમાં તેણે ભૂલ સુધારી હતી.

સરકાર ખુલ્લી રીતે ટ્વીટરની વિરૂદ્ધમાં આવી ચૂકી છે અને રવિશંકર પ્રસાદે સ્પષ્ટ કહી દીધુ છે કે ભારતને લઈને ટ્વીટર બેવડુ વલણ રાખે છે. તેથી વિવાદ ફરી એક વખત વકરી શકે છે. ટ્વીટરના કેરીયર પેઈજ પર જે ભારતનો નકશો છે તેમા જમ્મુ-કાશ્મીર અને લદાખ નથી એટલે કે તેેને બોર્ડરની બહાર બતાડવામાં આવેલ છે. સોશ્યલ મીડીયામાં લોકો તેની ટીકા કરી રહ્યા છે.

(3:17 pm IST)