Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ગ્રુપ હેલ્થ કવરના પ્રિમીયમો ૪૦ ટકા જેટલા વધ્યા

બીજી લહેર પછી કલેઇમમાં વધારો થતા પ્રિમીયમોમાં વધારો

ચેન્નઇ,તા. ૨૮: કોરોના મહામારીની બીજી લહેર દરમ્યાન કોરોના કલેઇમમાં વધારો થતા ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રિમીયમની કિંમતો નોકરી દાતાઓ માટે ૨૫-૪૦ ટકા વધી છે. બીજી લહેર પછી કોરોના હેલ્થ કવરની કર્મચારીઓની માંગણી વધતા હવે ૫૦ થી ઓછા કર્મચારીઓ ધરાવતી નાની કંપનીઓમાં પણ ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સની માંગ વધી છે.

નાના ધંધા માલિકો પણ સમજી રહ્યા છે કે એમ્પલોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ઇએસઆઇસી) પ્રોગ્રામ હેઠળ કર્મચારીઓ કવર છે પણ તે પુરતુ નથી અને એટલે જ તેઓ કોમર્શીયલ ગ્રુપ કવર તરફ વળી રહ્યા છે.

સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સના એમડી એસ.પ્રકાશ અને એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સના પ્રોડકટ ડેવલેપમેન્ટ ડીપાર્ટમેન્ટના હેડ સુબ્રમણ્યમ બ્રહ્માજોસ્યુલા બન્નેએ કહ્યુ કે ગયા વર્ષની સરખામણીમાં નાના ઉદ્યોગોમાં બીઝનેસ ૪૦-૫૦ ટકા જેટલો વધ્યો છે. જે કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ સીસ્ટમ અપનાવી છે. તેના કર્મચારીઓ પર કોરોનાનું જોખમ ઓછુ હોવાથી તેમના પ્રીમીયમમાં ઓછો વધારો થયો છે.

ફયુચર જનરલ ઇન્ડીયા ઇન્સ્યોરન્સના ચીફ ઓપરેટીંગ ઓફીસર શ્રીરાજ દેશપાંડેએ કહ્યુ કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ગ્રુપ ઇન્સ્યોરન્સના પ્રીમીયમમાં સરેરાશ ૩૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. ગ્રાહકોની વિનંતીથી અમે ટેલીમેડીકલ કન્સલ્ટેશન અને એલ્ડરલી કેર જેવા એડ ઓન કવર અમે વધારાના પ્રીમીયમ સાથે આપીએ છીએ.

(11:49 am IST)