Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

શિક્ષકે વિદ્યાર્થિનીને લખ્યો પ્રેમ પત્ર : ગામના લોકોએ મુંડન કરી કાઢ્યું સરઘસ

ધો.૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શિક્ષકે તાંત્રિક ક્રિયાની ધમકી આપી પ્રેમ પત્ર આપ્યો : જો વિદ્યાર્થિની તેને મળવા નહીં આવે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી : ઉશ્કેરાયેલા ગ્રામજનોએ શિક્ષકનું મુંડન કરી, ચહેરા પર કાળી શ્યાહી લગાવી સરદ્યસ કાઢ્યું

ઈન્દોર,તા.૨૮: ઈન્દોરના મહૂમાં ગુરૂ-શિષ્યના સંબંધને શર્મસાર કરતી એક દ્યટના સામે આવી છે. મહૂ વિસ્તારના માનપુરમાં આવેલા ખેડી સિહોદ ગામમાં આવેલી એક સ્કૂલના શિક્ષકે સ્કૂલમાં જ અભ્યાસ કરતી ધોરણ ૮ની વિદ્યાર્થિનીને પ્રેમ પત્ર આપી દીધો. જયારે ગામના લોકોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ઉશ્કેરાઈ ગયા અને પછી શિક્ષકનું તો આવી જ બન્યું. ઉશ્કેરાયેલા ગામના લોકોએ શિક્ષકનું મુંડન કર્યુ અને તેના મોઢા પર કાળી શ્યાહી લગાવીને આખા ગામમાં સરઘસ કાઢ્યું.

આ આખી ઘટના મહુ મુખ્યાલયથી લગભગ ૨૨ કિલોમીટર દૂર આવેલા ખેડી સિહોદ ગામની છે. ગામમાં શનિવારે એ સમયે ભારે હોબાળો મચી ગયો કે જયારે એક શિક્ષકે જ પોતાની જ સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને તાંત્રિક ક્રિયાઓની ધમકી આપીને બળજબરી હાથમાં પ્રેમ પત્ર આપી દીધો. એટલું જ નહીં આ શિક્ષકે વિદ્યાર્થિને મળવા માટે દબાણ પણ કર્યું. જો તે મળવા માટે નહીં આવે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવા લાગ્યો.

આ ઘટનાથી ડરી ગયેલી વિદ્યાર્થિનીએ સમગ્ર હકીકત પોતાના માતા-પિતાને જણાવી. તેઓ શિક્ષકના દ્યરે પહોંચ્યા અને આમ કરવાનું કારણ પૂછવા લાગ્યા. પ્રેમ પત્ર વાત ઝડપથી આખા ગામમાં ફેલાઈ ગઈ અને ગામના અન્ય લોકો પણ શિક્ષકના ઘરે પહોંચી ગયા. બાદમાં ઉશ્કેરાયેલા ગામના લોકોએ પહેલાં તો શિક્ષકને મેથીપાક ચખાડ્યો. બાદમાં તેનું મુંડન કરીને ચહેરા પર કાળી શ્યાહી લગાવી આખા ગામમાં સરઘસ કાઢ્યું. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(10:08 am IST)