Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ઝાયડસની વેક્સિન ૧૨-૧૮ વર્ષવાળા માટે ટૂંકમાં આવશે

કેન્દ્ર સરકારને SCએ આપી માહિતી : સરકાર મુજબ દેશમાં ૧૮ વર્ષથી ઉપરનાં આશરે ૯૩૦૯૪ કરોડ લોકો છે, જેમને વેક્સિન આપવામાં આવશે

નવી દિલ્હી,તા.૨૭ : કેન્દ્ર સરકારે કોરોનાનાં વેક્સિનેશન અભિયાન ઉપર સુપ્રીમ કોર્ટમાં તેનું સોગંદનામું દાખલ કરાવ્યું છે આ હેઠળ તેણે કહ્યું છે કે, ટૂંક સમયમાં જ ૧૨થી ૧૮ વર્ષની ઉંમરનાં બાળકો માટે ઝાયડસ કેડિલાની વેક્સીન લગાવવામાં આવશે. સરકારે વધુમાં કહ્યું કે, આ વર્ષનાં અંત સુધીમાં તમામને વેક્સીન લગાવી દેવામાં આવશે. આપને જણાવી દઇએ કે, ગત દિવસોમાં સુપ્રીમ કોર્ટે કોરોનાની વેક્સીન અંગે કેન્દ્રને સવાલ કર્યા હતાં. કોર્ટે પુછ્યું હતું કે કોરોનાને અટકાવવા માટે સરકાર શું પગલાં ભરી રહી છે. કેન્દ્રએ જણાવ્યું કે, કોરોના મહામારીથી બાળકોને બચાવવા માટે ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સીનનો ૨થી ૧૮ વર્ષનાં બાળકો પર ટ્રાયલ શરૂ થઇ ગયો છે. જ્યારે ઝાયડસ કેડિલાની વેક્સીનનો ૧૨થી ૧૮ વર્ષનાં બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઇ ગયો છે. ટૂંક સમયમાં જ ૧૨થી ૧૮ વર્ષનાં બાળકો માટે રસી ઉપલબ્ધ થશે. ડીસીજીઆઈથી મંજૂરીનો ઇન્તેઝાર- કહેવાય છે કે, અમદાવાદની કંપની ઝાયડસ-કેડિલા ત્રીજા ફેઝનું ટ્રાયલ પૂર્ણ કરી ચૂકી છે. એ વેક્સીન બાળકોની સાથે મોટાઓને પણ આપવામાં આવશે.

    આગામી અઠવાડિયાની અંદર કંપની ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા તેનાં ઇમરજન્સી ઉપયોગની પરવાનગી માંગી શકે છે. તે બાદ આ સમયે સંપૂર્ણ દુનિયામાં ફક્ત ફાઇઝર એકમાત્ર વેક્સીન છે જે ૧૨થી ૧૮ વર્ષનાં બાળકોને આપવામાં આવે છે. વેક્સીનની ઉપલબ્ધતા- સરકાર મુજબ દેશમાં ૧૮ વર્ષની ઉપરનાં આશરે ૯૩-૯૪ કરોડ લોકો છે જેમને વેક્સીન આપવામાં આવશે. જે માટે ૧૮૬થી ૧૮૮ કરોડ વેક્સીનનાં ડોઝની જરૂર પડશે. કેન્દ્ર સરકારે સોગંદનામામાં કહ્યું છે કે, ઓગસ્ટ ૨૧થી ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં દેશમાં ૧૩૫ કરોડ વેક્સીન ઉપલબ્ધ હશે. જેમાં કોવિશીલ્ડનાં ૫૦ કરોડ, કોવેક્સીનનાં ૪૦ કરોડ અને બાયોલોજિકલ ઇની ૩૦ કરોડ તેમજ ઝાયડસ કેડિલાની ૫ કરોડ અને સ્પૂતનિક વીની ૧૦ કરોડ વેક્સીન શામેલ છે.

(12:00 am IST)