Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

દિલ્હી પોલીસ કમિશ્રર તરીકે ગુજરાત કેડરના રાકેશ અસ્થાના?

ટૂંક સમયમાં દિલ્હી પોલીસ કમિશનરના નામની જાહેરાત થાય તેવી સંભાવના

નવી દિલ્હી, તા.૨૮: ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં દિલ્હી પોલીસ કમિશનરના નામની જાહેરાત કરી શકે છે. ન્યુઝ ૧૮ના અહેવાલ મુજબ, ગુજરાતના આઈપીએસ અધિકારી શ્રી રાકેશ અસ્થાના દિલ્હીના પોલીસ કમિશનર બની શકે છે. ગૃહ મંત્રાલયના વિશેષ સૂત્રોએ જણાવ્યું કે, દિલ્હી પોલીસ કમિશનરની રેસમાં રાકેશ અસ્થાના સૌથી આગળ ચાલી રહ્યા છે. હાલ, દિલ્હીના પોલીસ કમિશનર તરીકે અમુલ્ય પટનાયક છે.

સીબીઆઈમાં સેકન્ડ નંબરના અધિકારી રહી ચૂકેલા રાકેશ અસ્થાના અને સીબીઆઈના પૂર્વ ડાયરેકટર આલોક વર્મા સામેના ટકરાવ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો હતો.

આ વિવાદ બાદ મોદી સરકારે અસ્થાનાને રજા પર ઉતારી દીધા હતા. બાદમાં તેમને સિવિલ એવીએશન સિકયોરિટી બ્યૂરોના મહાનિદેશક તરીકે નિમવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પોસ્ટિંગ દરમિયાન શ્રી રાકેશ અસ્થાનાએ ઘણા હાઇપ્રોફાઇલ મામલાઓની તપાસ કરી છે. ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની તપાસ અસ્થાનાએ કરી હતી. આસારામ બાપુ અને નારાયણ સાંઈના કેસની તપાસ પણ શ્રી રાકેશ અસ્થાનાએ કરી છે. બિહારના બહુચર્ચિત ચારા કૌભાંડની તપાસ કરવાના કારણે સમગ્ર દેશ રાકેશ અસ્થાનાને ઓળખવા લાગ્યો હતો.

ગુજરાત કેડરના અને ૧૯૮૪ બેચના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના મૂળે ઝારખંડના વતની છે. ઝારખંડમાં આવેલી નેતરહાટથી રાકેશ અસ્થાનાએ પોતાની સ્કૂલનો અભ્યાસ કર્યો છે. રાકેશ અસ્થાનાએ બિહાર-ઝારખંડમાં પણ ઘણા લાંબા સમય સુધી કાર્યરતા રહ્યા છે.

(1:22 pm IST)