Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

સર્જિકલ સ્ટ્રાઇકનો વિડિયો જારી કરવાની જરૂર ન હતી

સર્જિકલ સ્ટ્રાઇકના વિડિયો મુદ્દે કોંગ્રેસ લડાયક : કોંગ્રેસ પાર્ટીએ સેનાના પરાક્રમનો રાજકીય લાભ ઉઠાવવા ભાજપ પર આક્ષેપ કર્યો : પુરાવાના પ્રશ્ને કોંગ્રેસ દુવિધામાં

નવી દિલ્હી,તા. ૨૮ : સપ્ટેમ્બર ૨૦૧૬માં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ત્રાસવાદીઓના અડ્ડા પર ભારતીય સેનાના સર્જિકલ હુમલાના ૨૧ મહિના બાદ સેનાના સાહસ સાથે સંબંધિત એક વિડિયો સપાટી ઉપર આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે, રાજકીય લાભ ઉઠાવવા માટે સેનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સર્જિકલ સ્ટ્રાઇકનો વિડિયો સપાટી ઉપર આવ્યા બાદ આજે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પત્રકાર પરિષદ યોજીને મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. સેનાના શૌર્ય, બલિદાન, પરાક્રમ અને સાહસનો ઉપયોગ રાજકીય રોટલી શેકવા માટે કરવાનો આક્ષેપ કર્યો હતો. સુરજેવાલાએ કહ્યું હતું કે, અગાઉની સરકારોના ગાળા દરમિયાન પણ સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કર્યા છે અને આ પ્રકારની કાર્યવાહીઓને અંજામ આપ્યા છે. અટલ બિહારી વાજપેયી અને મનમોહનસિંહ સરકારના ગાળા દરમિયાન પણ આ પ્રકારની કાર્યવાહી થઇ હતી પરંતુ સેનાના પરાક્રમનો રાજકીય લાભ માટે ઉપયોગ ક્યારે પણ કરવામાં આવ્યો નથી. આ પ્રકારના શરમજનક પ્રયાસો ક્યારે પણ કરવામાં આવ્યા નથી. સુરજેવાલાએ કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઇકના વિડિયો જારી કરવાની કોઇ જરૂર ન હતી. કારણ કે દેશના લોકો સેનાનું સન્માન કરે છે પરંતુ જ્યારે તેમને પ્રશ્ન કરવામાં આવ્યા કે કેટલાક રાજકીય પક્ષોએ સર્જિકલ સ્ટ્રાઇક ઉપર પ્રશ્નો ઉઠાવ્યા અને પુરાવા માંગ્યા છે ત્યારે કોંગ્રેસ પ્રવક્તાએ આ પ્રશ્નનો જવાબ ટાળવાના પ્રયાસ કર્યા હતા. સુરજેવાલાએ કહ્યું હતું કે, ભાજપના જ બે નેતા અને પૂર્વ કેન્દ્રિયી મંત્રી યશવંતસિંહા અને અરુણ શૌરીએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ભાજપનો આ આંતરિક મામલો છે. કોંગ્રેસના નેતા સંજય નિરુપમ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત કેટલાક નેતાઓએ સર્જિકલ સ્ટ્રાઇકના દાવા ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોંગ્રેસે સરકારને પ્રશ્નો કરતા કહ્યું છે કે, સર્જિકલ સ્ટ્રાઇકના વિડિયો જારી થયા બાદ સરહદ પર તૈનાત જવાનો અને સરહદી વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષાને ખતરામાં મુકી દેશે. આના કારણે જવાનોની જાનને ખતરામાં મુકવાના કામ થઇ રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું હતું કે, મોદી અને અમિત શાહ ઉપર જ્યારે જ્યારે નિષ્ફળ થવાનો ખતરો તોળાઇ આવે છે ત્યારે સેનાની બહાદુરીના રાજકીય ફાયદા માટે પ્રયાસ કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં ભાજપે સર્જિકલ સ્ટ્રાઇકના મુદ્દા ઉપર જોરદારરીતે વાત કરી હતી. બેનર પોસ્ટર લગાવીને સર્જિકલ સ્ટ્રાઇકની ક્રેડિટ સેનાના બદલે ભાજપ અને મોદીને આપવામાં આવી હતી. સુરજેવાલાએ કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઇક બાદ તરત જ સોનિયા ગાંધી અને કોંગ્રેસે આનું સ્વાગત કર્યું હતું.સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ ત્રાસવાદીઓ સામે કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક માટે સેનાના સાહસ અને સરકારને સમર્થન આપ્યું હતું પરંતુ શાસક પાર્ટીને યાદ રાખવાની જરૂર છે કે, સૈનિકોના પરાક્રમનો ઉપયોગ રાજકીયરીતે કરી શકાય નહીં.

(7:31 pm IST)