Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ભાજપ સેનાના શૌર્યનો રાજનૈતિક લાભ લઇ રહી છે

સર્જિકલ સ્ટ્રાઇકના વીડિયો પર રાજકારણ ગરમાયુ : કોંગ્રેસે કર્યા આકરા પ્રહારો

નવી દિલ્હી તા. ૨૮ : સર્જિકલ સ્ટ્રાઇક પર ફરી એકવાર રાજકારણ શરૂ થઈ ગયો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇકના મુદ્દે જુબાની જંગ શરૂ થઈ ગઈ છે. ભાજપ તેને પોતાની સિદ્ઘિ ગણાવી રહ્યું છે તો કોંગ્રેસ ભાજપ પર સેનાના નામે રાજકારણ કરવાનો આક્ષેપ લગાવી રહી છે. ગુરૂવારે (૨૮ જૂન) કોંગ્રેસ પાર્ટીના નેતા રણદીપ સુરજેવાલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકાર સેનાના બલિદાનને વોટમાં બદલવાની કોશિશ ના કરે. સેનાનું શૌર્ય ગર્વ કરવાનો વિષય છે, પણ તેના માધ્યમથી રાજકારણ ન કરવું જોઇએ. યુપીએના શાસન દરમિયાન પણ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી પણ એમા એના ગુણગાના ગાયા નહોતા.

સુરજેવાલાનું આ નિવેદન, જમ્મુ-કાશ્મીરમાં ૨૦૧૬માં કરાયેલા સર્જિકલ સ્ટ્રાઇકનો વીડિયો સામે આવ્યા બાદનું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ભારતીય સેનાએ PoKમાં કહેર વરસાવ્યો હતો.

કોંગ્રેસી નેતાએ આ વીડિયોને લઈ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે,  રાષ્ટ્રવાદીઓએ દેશની સેનાનું અપમાન કર્યું છે. સેનાના શૌર્યનો રાજનૈતિક લાભ લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોદી સરકાર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ અટકાવવામાં નિષ્ફળ રહી છે. ૫૬ ઇંચની છાતી પાકને કયારે બતાવશો? સરકાર સેના સાથે ભેદભાવ કરે છે. તેવો ખુલાસો કરે કે સેનાની કેન્ટીન પર જીએસટી કેમ નાંખવામાં આવ્યો?

તેમણે કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઇકનો વીડિયો જાહેર કરવાની જરૂર ન હતી, કેમ કે, દેશ સેનાનું સમ્માન કરે છે. જોકે સર્જિકલ સ્ટ્રાઇક વખતે પુરાવા માંગવાના સવાલ પર તેમણે ગોળગોળ જવાબ આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાનની સાથે-સાથે દેશની કેટલીક રાજનૈતિક પાર્ટીઓએ સવાલો ઉભા કર્યા હતા. જેમાં કોંગ્રેસના નેતા સંજય નિરૂપમ અને પૂર્વ નાણાંપ્રધાન પી.ચિદમ્બરમ પણ સામેલ હતા.

(4:00 pm IST)