Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

હિઝબુલની વોર્નિંગ : કાશ્મીરી પંડિતો માટે અલગ કોલોની તો ચલાવી જ નહી લેવાય

અમરનાથ યાત્રીઓને ટેન્શન વગર યાત્રા કરવાની આપી સલાહ

નવી દિલ્હી તા. ૨૮ : હિઝબુલ મુજાહિદિનના કમાન્ડરે એક ઓડિયો-ટેપ  બહાર પાડી કાશ્મીરમાં હિન્દુઓ અને કાશ્મીરી પંડિતો માટે અલગ કોલોની બનાવવા બાબતે ધમકી આપી છે.  ઓડિયોમાં જણાવવામાં આવ્યુ છે કે જો હિન્દુઓ માત્ર યાત્રા કરવા કાશ્મીર આવી રહ્યા છે તો તેમને ડરવાની કોઇ જરૂર નથી, તેમને કોઇ તકલીફ  આપવામાં નહી આવે. કાશ્મીરી પંડિતો પણ તેમના પૈતૃક  ઘરોમાં રહેવા આવી શકે છે. પણ તેમના માટે અલગ કોલોની બનાવવામાં આવશે તો ચલાવી નહી લેવાય

લગભગ ૧૫ મીનિટનો આ વિડીયો હાલમાં વોટ્સએપમાં અને અન્ય સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વિડીયો હિઝબુલ કમાન્ડર રિયાઝ  નાયકુની તસવીર સાથે ફરી રહ્યો છે.

એવો દાવો આવી રહ્યો છે કે આ અવાજ રિયાઝ નાયકુનો જ છે. ઓડિયોમાં સરકારને પણ કાશ્મીરી પંડીતો માટે કોઇ નવી કોલોની ન બનાવવા ચેતવણી આપવામાં આવી રહી છે. 'અમે કાશ્મીરી પંડિતો માટે અલગ કોલોની બનાવવાની મંજુરી નથી આપતા , જે આ કોલોનીમાં રહેવા જશે તેમને માફ નહી કરાય હિઝબુલની લડાઇ ભારતના જમ્મુ-કાશ્મીર પરના કબજાના વિરોધમાં છે. જે લોકો ધાર્મિક હેતુથી અહિં આવે છે તેમની સામે અમને કોઇ વાંધો નથી. તીર્થયાત્રા ને કાશ્મીરના રાજકીય મુદ્દા સાથે જોડવો ન જોઇએ. કાશ્મીરની ખીણમાં અનેક વિસ્તારમાં હજારો બિહારીઓ મજુરી કરે છે કે પછી ભીખ માગે છે. એમા યુવતીઓ અને યુવાન મહિલાઓ પણ છે. પરંતુ કોઇએ તેમની સાથે કયારેય ગેરવર્તણુક નથી કરી.'

(3:58 pm IST)