Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

બેંકીંગ ક્ષેત્રમાં ઉતરી શકે છે LIC : 'બિમાર' IDBI બેંક લેવા તૈયારી

LICની થશે IDBI બેંક : મોટો હિસ્સો વેચવાની તૈયારી કરે છે સરકાર સરકારને મળશે ૧૦,૦૦૦થી ૧૧,૦૦૦ કરોડ : એનપીએથી જકડાયેલી IDBI હસ્તગત કરવાનું LICના હિતમાં છે ? ઉઠતા સવાલો : ગ્રાહકોના પૈસા સલામત રહેશે ?

નવી દિલ્હી તા. ૨૮ : કેન્દ્ર સરકારે દેશમાં સરકારી બેંકોની સામે ઉભી થઇ રહેલી એનપીએની સમસ્યાને નિપટાવા નવી કવાયત શરૂ કરી છે. વર્ષની શરૂઆતમાં બેંકોને એનપીએમાંથી મુકત કરાવા માટે જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે ૨.૧ લાખ કરોડ રૂપિયાનું રીકેપીટલાઇજેશન પ્રોગ્રામને મંજુરી આપી. બીજીબાજુ હવે તે સૌથી વધુ એનપીએનો રેશીયો ધરાવતી આઇડીબીઆઇ બેંકની દેશની સૌથી મોટી ઇન્સ્યોરન્સ કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના હવાલે કરવાની તૈયારીમાં છે.

એલઆઇસીમાં દેશની વધુ પડતી પ્રજાને જમાપુંજી છે અને તેઓ પ્રતિવર્ષ પોતાની બચતથી હજારો - લાખો રૂપિયા કાઢીને એલઆઇસીની પોલીસીમાં નાખે છે. આ પૈસાની મદદથી તેનું અને તેના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત રહે છે પરંતુ હવે કેન્દ્ર એક સરકારી બેંકને બચાવાની કવાયતમાં તેને એલઆઇસીના હવાલે કરવા જઇ રહી છે. તેનો સ્પષ્ટ અર્થ છે કે તમે પ્રતિવર્ષ જે પૈસા એલઆઇસીની પોલીસી માટે પ્રીમીયમ તરીકે જમા કરો છો હવે તેનો ઉપયોગ બેંકને ડુબવાથી બચાવા માટે કરવામાં આવશે.

હાલના સમયમાં દેશની ૨૧ સરકારી બેંકોમાં સામેલ આઇડીબીઆઇ બેંકમાં કેન્દ્ર સરકારની ૮૫ ટકા ભાગીદારી છે. નાણાકીય વર્ષ ૨૦૧૮ દરમિયાન કેન્દ્ર સરકારે પોતાના રીકેપિટલાઇઝેશન પ્રોગ્રામ હેઠળ બેંકની મદદ કરવા માટે ૧૦,૬૧૦ કરોડ રૂપિયા નાખ્યા છે. બીજીબાજુ આઇડીબીઆઇ બેંક દેશની બીમારૂ સરકારી બેંકોમાં સૌથી વધુ એનપીએ રેશીયોવાળી બેંક છે.

છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બેંકીંગ સુધારણાના નામ પર કેન્દ્ર સરકારે બીમાર પડેલી સરકારી બેંકોમાં પોતાની ભાગીદારીથી ઓછી કરવાની રણનીતિ પર કામ કર્યું છે. આ રણનીતિ હેઠળ આઇડીબીઆઇ સાથે ભાગીદારી ઓછી કરવામાં તેની કોઇપણ પ્રકારની કાયદાકીય અડચણનો સામનો કરવો પડશે નહિ.

બીજી બાજુ દેશની સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઇસી લાંબા સમયથી બેંકીંગ કારોબાર જગ્યા બનાવવા ઇચ્છુક છે તેનું મહત્વ કારણ તેની પાસે મોટી માત્રામાં રહેલી મૂડી છે જે દેશભરમાં એલઆઇસી પોલીસીના ગ્રાહકો દ્વારા પ્રીમીયમ તરીકે એકત્ર કરી શકાય છે. જોકે અગાઉ કેન્દ્ર સરકારે એલઆઇસીની પાસે પડેલી આ પૈસાથી વધુ કમાણી કરવા માટે તેને શેરબજારમાં રોકાણ કરવાની પણ મંજુરી આપી દીધી હતી. આ નિર્ણયથી પણ એલઆઇસીના ગ્રાહકોની જમા પુંજી પર ખતરો વધી શકે છે.

સરકાર આઇડીબીઆઇ બેંકનો જુલાઇ સુધીમાં ભાગ વેચવા માંગે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આઇડીબીઆઇ બેંકમાં એલઆઇસીને ૪૦-૪૩ ટકા ભાગ વેચવાની યોજના છે. સરકારને તેનાથી ૧૦ હજારથી ૧૧ હજાર કરોડ રૂ. મળવાની આશા છે. સરકારની હાલમાં આઇડીબીઆઇ બેંકમાં ૮૧ ટકા ભાગીદારી છે સરકાર બેંકમાં પોતાનો ભાગ ઘટાડીને ૫૦ ટકાથી ઓછું કરવા માંગે છે.(૨૧.૨૬)

(3:50 pm IST)