Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

DCP પર મહિલા કોન્સ્ટેબલની ૨૩ વર્ષની દીકરી પર બળાત્કારના આરોપ

આરોપીને રજા પર ઉતારી દેવાયા, પીડિતા અને તેની માતા ગાયબ

ઔરંગાબાદ, તા.૨૮: ઔરંગાબાદ,મહારાષ્ટ્રમાં એક  IPS અધિકારી પર એક યુવતીને નોકરીની લાલચ આપીને તેના પર અવારનવાર બળાત્કાર કરવાનો સનસનીખેજ આરોપ લાગ્યો છે. IPS અધિકારીની હવસનો ભોગ બનેલી યુવતી એક મહિલા કોન્સ્ટેબલની દીકરી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે આઈપીએસ અધિકારી સામે કેસ પણ દાખલ થયો છે.

 

ફરિયાદ અનુસાર, ઔરગાંબાદ ઝોન-૨ના ડીસીપી રાહુલ શ્રીરામેએ ફેબ્રુઆરીથી લઈને ૨૧ જુન સુધી ૨૩ વર્ષની પીડિતા પર બળાત્કાર કર્યો હતો. તપાસ અધિકારી વિનાયક ધાકનેના જણાવ્યા અનુસાર, થોડા દિવસ પહેલા મહિલા કોન્સ્ટેબલની દીકરીએ આ અંગે ફરિયાદ આપી હતી. હાલ આરોપી રાહુલ શ્રીરામે રજા પર ઉતરી ગયા છે.

 આરોપી-પીડિતા મોર્નિંગ વોક દરમિયાન મળ્યા હતા

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ડીસીપી અને પીડિતા ડિવિઝનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેકસમાં મોર્નિંગ વોક દરમિયાન એકબીજાને મળ્યા હતા, અને તેમણે એકબીજાના નંબર પણ એકસચેન્જ કર્યા હતા. પીડિતા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી હતી, અને ડીસીપીનો તેણે માર્ગદર્શન મેળવવા સંપર્ક કર્યો હતો. આરોપીએ પીડિતાને મટિરિયલ આપવાના બહાને પહેલા પોતાની ઓફિસ અને પછી દ્યરે બોલાવી હતી.

પીડિતાએ પોતાની ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, ડીસીપીએ તેના પર રેપ કરીને આ અંગે કોઈને ન કહેવા માટે ધમકી આપી હતી. જોકે, જયારે પીડિતાએ પોલીસ કેસ કરવાની વાત કરી ત્યારે આરોપીએ પોતે કુંવારો છે તેમ કહીને તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જોકે, આરોપીના લગ્ન થઈ ચૂકયા છે, અને તેને છ વર્ષનો દીકરો પણ છે. આ અંગે પીડિતાએ ૨૧ જુનના રોજ પોતાની ફરિયાદ આપી હતી. ત્યાર બાદ તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. જોકે, ત્યાર પછી પીડિતા તેમજ તેની માતા મહિલા કોન્સ્ટેબલનો કોઈ અતોપતો નથી. તેઓ અચાનક ગાયબ થઈ જતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા છે. રાહુલ શ્રીરામે વિરુદ્ઘ MLDC સિડકો પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે. કેસની તપાસ જલ્દીથી શરુ કરાશે તેમ પણ ધાકનેએ જણાવ્યુ હતું. શ્રીરામે વિરુદ્ઘ બળાત્કાર, ઠગાઈ તેમજ ગુનાઈત ઈરાદા સાથે કૃત્ય કરવાની કલમો ઉમેરવામાં આવી છે. જોકે, આરોપી DCP પોતાની સામેના આરોપોને પાયાવિહોણા જણાવી ફગાવી દીધા છે.(૨૨.૧૨)

(3:44 pm IST)