Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

કેટલાકને શાંતિ-વિકાસ નહિ પણ કલહ-અશાંતિ જોઇએ છે

કબીરના દોહા સંભળાવી મોદીએ વિપક્ષો પર કર્યા આકરા પ્રહારો : સત્તાના લાલચુ માત્ર પોતાનું અને પોતાના પરિવારનું જ હિત જુએ છે : સમાજવાદ અને બહુજનની વાતો કરનારા લોકો જનતાને ઠગવાનું કામ કરી રહ્યા છેઃ કટોકટી લગાવનાર અને તે સમયે વિરોધ કરનાર આજે ભેગા થઇ ગયા છે

નવી દિલ્હી તા. ૨૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના મગહર પહોંચી સંત કબીરની મજાર પર ચાદર ચઢાવી અને કબીર અકાદમીનો શિલાન્યાસ કર્યો. ત્યારબાદ મોદીએ કબીરદાસની ૬૨૦માં પ્રાગ્ટય દિવસ મગહરમાં સંત કબીર એકેડેમીનો શિલાન્યાસ કર્યો. અહીંયા મોદીએ જનસભાને પણ સંબોધિત કરી. મોદીએ કહ્યું કે આજે મહાપુરૂષોના નામ પર રાજનીતિ થઇ રહી છે. આવા લોકો જમીનથી કપાઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, ૨૪ કરોડ રૂપિયાના ખર્ચે બનનારી આ એકેડમીમાં પાર્ક અને પુસ્તકાલય ઉપરાંત કબીર પર શોધની સંસ્થા પણ હશે. પીએમની સાથે યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા. તેમણે અહીંથી કોંગ્રેસ-સપા અને બસપા જોરદાર પ્રહારો પણ કર્યા હતા.

મોદીએ કહ્યું કે સમાજવાદ અને બહુજનની વાત કરનારાઓની સત્તા માટે લાલચ તમે જોઈ શકો છે, ૨ દિવસ પહેલાં દેશમાં કટોકટીના સમયને ૪૩ વર્ષ થયાં. સત્તાનું લાલચ આવું જ છે ઈમરજન્સી લગાવનારા અને તે સમયે કટોકટીનો વિરોધ કરનારાઓ સાથે આવી ગયા છે. આ સમાજ નથી માત્ર પોતાનું અને પોતાના પરિવારનું હિત જોવે છે. કેટલાંક પક્ષ માત્ર કલેશ અને રાજનીતિ જ ઈચ્છે છે, આ પક્ષ સમાજવાદ અને બહુજન વાદના નામે ઢોંગ કરે છે.

પીએમ મોદીએ આ અવસર પર ફરીથી ટ્રિપલ તલાકનો મુદ્દો છંછેડયો. તેમણે સભાને સંબોધિત કરતાં કહ્યું કે મુસ્લિમ સમાજની મહિલાઓ માટે આપણે ટ્રિપલ તલાક પર કાયદો લઇ આવ્યા પરંતુ સંસદમાં કેટલાંક દળોએ તેમાં પણ રોડા નાંખી રહ્યા છે. તેમણે આ અવસર પર પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને યાદ કરતાં કહ્યું કે તેમણે આ જગ્યા માટે સપનું જોયું હતું. આપણે દેશના પૂર્વ હિસ્સાને વિકસિત કરી રહ્યા છે.

મગહરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે, 'આજથી જ ભગવાન ભોલેનાથની યાત્રા શરૂ થઇ રહી છે. હું તીર્થયાત્રીઓને શુભકામનાઓ આપું છું. કબીર દાસજીની ૫૦૦મી પુણ્યતિથિના પ્રસંગે આજથી જ કબીર મહોત્સવની પણ શરૂવાત થઇ છે.'

પીએમ મોદીએ કબીર વિષે બોલતા કહ્યું કે, 'કબીરના દોહાને સમજવા માટે કોઇ શબ્દકોષની જરૂર નથી. તેમણે પોતાની વાત જન જન સુધી પહોંચાડી છે. કબીરે જાતિના ભેદ તોડ્યા છે, દરેક માણસની એક જાતિ છે તેમ કહીને પોતાની અંદર બેઢેલા ઇશ્વરનું દર્શન કરવાનો રસ્તો બતાવ્યો છે. તેઓ બધાના હતાં એટલે બધા તેમના થઇ ગયાં.'

મગહરમાં પીએમ મોદીએ વિપક્ષી દળો પર નિશાનો સાધતા કહ્યું કે, 'કેટલાક દળોને શાંતિ અને વિકાસ નહીં, ઝઘડો અને અશાંતિ જોઇએ છે. તેમને લાગે છે જેટલો અસંતોષ અને અશાંતિનું વાતાવરણ બનાવીશું, તેટલો રાજનૈતિક લાભ થશે. તેમને ખબર જ નથી કે મહાત્મા ગાંધી, સંત કબીરને માનનારો આપણો દેશનો સ્વભાવ શું છે.'

પીએમ મોદીએ કહ્યું કે, 'આ અમારા દેશની મહાન ધરતીનું તપ છે, તેમની પુણ્યતા છે કે સમયની સાથે, સમાજમાં આવનારી આંતરીક ખરાબીઓને સમાપ્ત કરવા માટે સમયાંતરે ઋષિમુનીઓ, સંતોનું માર્ગદર્શન મળ્યું છે. સેંકડો વર્ષોની ગુલામીના સમયમાં જો દેશની આત્મા બચી રહી તો આવા સંતોના કારણે જ.'

આઝદી પછી પહેલીવાર દેશના કોઇ વડાપ્રધાન મગહર ગયા છે. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામ મગહરમાં ગયા હતાં. તેમણે કબીરની સમાધિ અને મજારના દર્શન કર્યા હતાં. જેના કારણે પીએમ મોદીની આ યાત્રા કબીરપંથીઓમાં ખાસ માનવામાં આવી રહી છે.

(3:27 pm IST)