Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

શુઝાત હત્યા : મુખ્ય સુત્રધાર એમબીએની ડિગ્રી ધરાવે છે

બેંગલોરમાંથી ડિગ્રી મેળવી હોવાની વિગત ખુલી : મેનેજમેન્ટ ગ્રેએજુએટ પાંચ વર્ષ પહેલા પાકિસ્તાન જતો રહ્યો હતો : હાલમાં પાકના રાવલપિંડીમાં હોવાના હેવાલ

નવી દિલ્હી,તા. ૨૮ : જમ્મુ કાશ્મીર પોલીસે લશ્કરે તોયબાના ૪૮ વર્ષના ત્રાસવાદી સજ્જાદ ગુલને કાશ્મીરી પત્રકાર શુજાત બુખારીની હત્યા માટે માસ્ટરમાઇન્ડ તરીકે ગણાવીને તેની વિગત પુરી પાડી છે. મેનેજમેન્ટ ગ્રેજુએટ સજ્જાદ  ગુલ પાંચ વર્ષ પહેલા પાકિસ્તાન જતો રહ્યો હતો. ગુપ્તચર સુત્રોના કહેવા મુજબ મુળભુત રીતે કાશ્મીરના નિવાસી અને ત્રાસવાદી સજ્જાદે બેંગલોરની એક ખાનગી સંસ્થામાંથી એમબીએની ડિગ્રી હાંસલ કરી હતી. હાલમાં તે પાકિસ્તાનના રાવલપિંડીમાં રહે છે. કાશ્મીરી પત્રકાર શુઝાત બુખારીની હત્યાનો આદેશ લશ્કરે તોયબાના લીડર હાફિજ સઇદે આપ્યો હોવાના હેવાલ મળ્યા છે. સજ્જાદે તેના પોતાના દ્વારા પસંદ કરવામાં આવેલા સ્થાનિક ત્રાસવાદીઓને પત્રકારની હત્યા કરવા માટેની જવાબદારી સોંપી હતી.જમ્મુ-કાશ્મીરમાં પત્રકાર સુજાત બુખારીની હત્યામાં સામેલ રહેલા હુમલાખોરોની ઓળખ કરી લેવામાં આવી છે. આ હત્યામાં સામેલ રહેલા હુમલાખોરો પૈકી એક પાકિસ્તાનથી છે. જ્યારે અન્ય બે દક્ષિણ કાશ્મીરના હોવાનું જાણવા મળ્યું છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે આ હત્યામાં નાવેદ જટ્ટનું નામ પણ સામેલ આવી રહ્યું છે જે લશ્કરે તોયબા સાથે જોડાયેલો આતંકવાદી છે.  સૂત્રોના કહેવા મુજબ સુજાતની હત્યાના મામલામાં પાકિસ્તાન તરફથી એક મોટા કાવતરાના ઈનપુટ પણ મળી રહ્યા છે. હવે તપાસ સંસ્થાઓ ઉંડી તપાસમાં લાગેલી છે. આ હત્યાકાંડમાં સામેલ એક આતંકવાદીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જ્યારે ત્રણ અન્યના સંદર્ભમાં એસઆઈટી અને અન્ય એજન્સીઓ સતત તપાસ કરી રહી છે. પત્રકારની હત્યામાં એક પાકિસ્તાની ત્રાસવાદી સામેલ હોવાની વિગત સપાટી ઉપર આવી રહી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસ અથવા કોઈ અન્ય તપાસ સંસ્થા હજુ સુધી આ સંદર્ભમાં કોઈ સત્તાવાર નિવેદન જારી કરી શકી નથી. પૂર્વમાં સેનાની ૧૫મી કોરથી જીઓસી લેફ્ટી. જનરલ એ.કે. ભટ્ટે આ હત્યાકાંડ પાછળ પાકિસ્તાની આતંકવાદીઓનો હાથ હોવાની વાત કરી હતી. સુજાત હત્યાકાંડ બાદ ખીણમાં એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પાકિસ્તાની ત્રાસવાદીઓ આ હુમલામાં સીધી રીતે સંડોવાયેલા છે. ત્યારબાદ પોલીસે હુમલામાં સામેલ એક આતંકવાદીની ઓળખ કરીને મામલાની તપાસ માટે વિશેષ ટીમની રચના કરી હતી.

(12:27 pm IST)