Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

કબીરના જન્‍મદિને તેમના મૃત્‍યુસ્‍થળ પર જવાના મોદીના નિર્ણયથી વિવાદ

નવી દિલ્‍હી તા. ૨૮ : અવૈધ અતિક્રમણને કારણે અગાઉથી જ વિવાદીત મગહર (સંત કબીર નગર)નો કબીર મઠ વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીના કાર્યક્રમને લીધે વધુ વિવાદીત થયો છે.  સંત કબીરદાસનો ૬૪૦મો જન્‍મદિન આજે ઉજવવામાં આવે છે. જે કબીરદાસ મઠ, મંદિર અને મસ્‍જિદ બાંધવાના વિરોધી હતા, એજ કબીરના નામે બનેલાં કબીર મઠ અને જમીન પર કરેલા અતિક્રમણને લીધે વિવાદિત છે.

દેશભરમાં આવા અનેક મઠ છે અને એમાંથી એક મગહરના મઠના પ્રમુખ મહંત વિચારદાસ છે, એમને સારનાથના કબીર મઠની જમીન ગેરકાયદે વેચવાના આરોપમાં ૨૦૧૬માં ૧૭ દિવસની કેદ થઇ હતી અને હાલ જામીન પર છૂટેલા છે.

કબીર મઠ વારાણસીના પ્રમુખ મહંત વિવેકદાસની સત્તામાં મગહરનો મઠ પણ છે અને એમણે વિચારદાસને મગહરના પ્રભારી મહંત બનાવ્‍યા છે. આ વિશે પૂછતા એમણે જણાવ્‍યું હતું કે વિચારદાસ હાલ જામીન પર છૂટયા છે અને એમણે મને મગહર મઠ મોકલી આપવાની વિનંતી કરી હતી.

આ કારણસર સંત કબીર નગરના સાંસદ શરદ ત્રિપાઠીએ મગહરમાં સંત કબીરદાસના જન્‍મદિન આજે વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીનો કાર્યક્રમ ગોઠવ્‍યો છે. મહંત વિવેકદાસના કહેવા પ્રમાણે મગહર મઠની જમીન પર કબીર એકેડેમી અથવા કબીર શોધ સંસ્‍થા બનાવવા માટે ઉત્તર પ્રદેશ સરકાર કે કેન્‍દ્ર સરકારે મારી પાસેથી કોઇ જાતની પરવાનગી નથી લીધી.

મને લાગે છે કે વડા પ્રધાનને એમના પક્ષના નેતાઓએ ખોટી માહિતી આપી છે. મગહરમાં કોઇપણ વ્‍યક્‍તિ કબીરદાસનો જન્‍મદિન મનાવવા નથી જતું, આજના દિવસે કબીરદાસ વારાણસીમાં જનમ્‍યા હતા, પણ મોદી એ દિવસે મગહરમાં જશે. કબીર મઠ, વારાણસીમાં કબીરનો જન્‍મોત્‍સવ ૨૬મી જૂનથી જ ઉજવાઇ રહ્યો છે. એ દિવસે મગહર જવાનો કોઇ અર્થ નથી.(૨૧.૭)

(11:52 am IST)