Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

‘ડી' ગેંગનું સુકાન અનીસના હાથમાં ?

દાઉદ ઈબ્રાહિમનો જમણો હાથ ગણાતા છોટા શકીલને બદલે ભાઈ અનીસ આદેશ આપતો હોવાનું પકડાયેલા ગેંગસ્‍ટરો પાસેથી જાણવા મળ્‍યું

મુંબઈ, તા. ૨૮ :. કુખ્‍યાત ગેંગસ્‍ટર દાઉદ ઈબ્રાહિમ અને તેનો સાગ્રીત છોટા શકીલ ધીમે ધીમે ગેંગની કામગીરીનો ભાર હળવો કરીને દાઉદ ઈબ્રાહિમના ભાઈ અનીસ ઈબ્રાહિમને આગળ કરી રહ્યા છે અને અનીસ ધીમે ધીમે ડી કંપનીનું સુકાન સંભાળી રહ્યા છે એવી માહિતી મુંબઈ પોલીસને મળી છે.

ડગલે-પગલે અંડરવર્લ્‍ડનું પગેરૂ ચાંપતી મુંબઈ પોલીસના ધ્‍યાનમાં આવ્‍યું છે કે દાઉદ ઈબ્રાહિમનો ભાઈ અનીસ ઈબ્રાહિમ ગેંગમાં સક્રિય થઈ રહ્યો છે. જો કે પોલીસને શંકા છે કે તેને અંડરવર્લ્‍ડમાં તેમ જ ગેંગમાં આગળ વધારવાની આ એક ચાલ હોય શકે છે.

ગયા સપ્તાહે શનિવારે મુંબઈના એન્‍ટી-એકસ્‍ટોર્શન સેલ દ્વારા ધરપકડ કરાયેલા દાઉદ ગેંગમાં સક્રિય રામદાસ રહાણેની પૂછપરછને પગલે આ માહિતીને સમર્થન સાંપડયુ હોવાનું પોલીસે જણાવ્‍યું હતું. પોલીસના સૂત્રોએ જણાવ્‍યા મુજબ રહાણે ઉપરાંત તેમના સૂત્રો પાસેથી પણ અનીસ ગેંગના કામોમાં આગળ પડતી ભૂમિકા ભજવતો હોવાનું તથા છોટા શકીલ જાતે જ હાંસિયામાં ધકેલાઈ રહ્યો હોવાની બાતમી સાંપડી હતી. રહાણેને પાકિસ્‍તાનમાં રહેલા અનીસે જ મુંબઈ શહેરના એક હોટેલ માલિક પર હુમલો કરવાનો ઓર્ડર આપ્‍યો હતો.

પોલીસના સૂત્રોએ જણાવ્‍યું હતું કે દાઉદ ગેંગની કામ કરવાની પદ્ધતિમાં આવેલા બદલાવ અને છોટા શકીલનું પાછલી હરોળમાં ખસેડાવું તેમ જ દાઉદના પુત્ર દ્વારા પિતાનો કારોબાર સંભાળવાની અનિચ્‍છાને ધ્‍યાનમાં લેતા આ તમામ બાબતો અનીસને આગળ વધારવાના તથા ગેંગમાં તેનુ મહત્‍વ સ્‍થાપવાના પ્રયાસરૂપ જણાઈ રહી છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્‍ચના સૂત્રોએ જણાવ્‍યું હતું કે ધરપકડ કરાયેલા ગેંગના સભ્‍યોની પૂછપરછ અને ખબરીઓ પાસેથી મળેલી માહિતીના આધારે એ સ્‍પષ્‍ટ થયું છે કે, છોટા શકીલ હજી ગેંગ સાથે જોડાયેલો છે. જો કે તેણે પોતાનું કામકાજ સીમિત કર્યુ છે.(૨-૧)

(11:43 am IST)