Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ટમેટા, બટેટા અને ડુંગળીના ખેડુતોને રાહત માટે પ૦૦ કરોડનું ફંડ

ખેડુતોની આવક વધારવા -ખોટમાંથી બચાવવા પગલુ

નવી દિલ્‍હી, તા. ર૮ : ટમેટા, બટેટા અને ડુંગળીના ખેડૂતોને ખોટમાંથી બચાવવા સરકાર ટૂંક સમયમાં પ૦૦ કરોડ રૂપિયાની એક યોજના શરૂ કરશે. ફુડ પ્રોસેસીંગ મંત્રાલયને ઓપરેશન ગ્રીન્‍સ યોજના માટે સ્‍ટેન્‍ડીંગ ફાઇનાન્‍સ કમીટીની મંજુરીની આશા છે. આ યોજનાની જાહેરાત નાણા પ્રધાને આ વર્ષના બજેટમાં કરી હતી આને ઉદેશ ખેડૂતોની આવક વધારવાનો, ઇન્‍ટીગ્રેટેડ સપ્‍લાય ચેન તૈયાર કરવાનો અને ભાવમાં વધ-ઘટ ઘાટડવાનો છે. ફુડ પ્રોસેસીંગ મંત્રાલયના સચિવ જગદીશ મીણાએ કહ્યું કે, આ યોજનાને આખરી રૂપ અપાઇ રહ્યું છે અને તેને સ્‍ટેન્‍ડીંગ કમીટી સામે રાખવામાં આવશે. મંજુરી મળ્‍યા પછી જુલાઇમાં આ સ્‍કીમ લોન્‍ચ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે આમાંથી દરેક પાકના ટોપ ૧૦ ઉત્‍પાદક ક્ષેત્રોમાં મદદ અપાશે તેનાથી ટમેટા, ડુંગળી અને બટેટાના ખેડૂતોની આવક વધશે, ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઇઝેશનની ક્ષમતા વધશે, લણણી પછી નુકસાન ઓછું થશે, પ્રોસેસીંગ માટે ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર તૈયાર થશે, સપ્‍લાય ચેન મજબૂત થશે અને ગ્રાહકો માટે ટમેટા, ડુંગળી અને બટેટાની કિંમતતોમાં વધ-ઘટ ઓછી થશે. ફુડ પ્રોસેસીંગ મંત્રાલયે આના માટે કૃષિ મંત્રાલય, નાણા મંત્રાલય, વાણિજય મંત્રાલય અને નીતિ આયોગને એક પત્ર મોકલ્‍યો છે, જેમાં સીઝન અને વિસ્‍તાર પ્રમાણે ઉત્‍પાદનમાં ફેરફાર કરવા અંગે વિચાર કરવા, ટમેટા, ડુંગળી અને બટેટાની ખેતી નવા વિસ્‍તારોમાં કરવા અંગે સલાહ અપાઇ છે.

આ યોજના હેઠળ મદદ માટે પ્રોજેકટ ખર્ચના પ૦ ટકા આપવાનો પ્રસ્‍તાવ છે, જે પ્રતિ પ્રોજેકટ વધુમાં વધુ પ૦ કરોડ રૂપિયા હશે. આમાં જે રાજયોએ એપીએમસી રીફોર્મ લાગુ કર્યા છે તેને પ્રાથમિકતા અપાશે. એફપીઓ, કો-ઓપરેટીવ, કંપનીઓ, ફુડ પ્રોસેસર્સ, લોજીસ્‍ટીક ઓપરેટર્સ, સપ્‍લાય ચેન ઓપરેટર્સ કેન્‍દ્ર અને રાજય સરકારની કંપનીઓ વગેરે આની સાથે જોડાશે. આમાં નાણાકીય મદદ માટે નેશનલ કો ઓપરેટીવ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન અને સ્‍મોલ ફાર્મર્સ એગ્રી બીઝનેસ કંસોર્શિયમ સ્‍કીમોના ક્રેડીટ પ્રોગ્રામને ઉપલબ્‍ધ કરાવાશે. નિકાલ વધારવા ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર તૈયાર કરવામાં એગ્રીકલ્‍ચર એન્‍ડ પ્રોસેસ્‍ડ ફુડ પ્રોડકટસ એક્ષપોર્ટડેવલપમેન્‍ટ ઓથોરીટ મદદ કરશે. (૮.૪)

(11:41 am IST)