Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ડોલર સામે રૂપિયો તૂટીને ૬૯ : શેરબજારમાં પણ ઘટાડો

અત્યાર સુધીની સૌથી નીચી સપાટીઃ ક્રૂડના ભાવમાં વધારો, યુઆનમાં કમજોરી અને ટ્રમ્પની દાદાગીરીને કારણે આજે રૂપિયો ૭૯ પૈસા તૂટીને રૂપિયો-ઇન્ટ્રાડે ૬૯.૦૪ ઉપર પહોંચ્યો : આ વર્ષે ૭ ટકાથી વધુ તૂટયો રૂપિયોઃ ડોલર સામે રૂપિયો ઘસાતા રીઝર્વ બેન્ક એલર્ટ : વિદેશ પ્રવાસ, વિદેશમાં શિક્ષણ, વિદેશથી આવતી ચીજવસ્તુઓ મોંઘીદાટ થવાના એંધાણ

નવી દિલ્હી, તા. ૨૮ :. ડોલરના મુકાબલે રૂપિયો સતત તૂટી રહ્યો છે. આજે ભારતીય કરન્સી અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગઈ છે. આજે સવારે રૂપિયો પહેલીવાર ૬૯ની સપાટીએ પહોંચી ગયો હતો. ૬૮.૮૯ રૂ.ના ભાવે ખુલ્યા બાદ આ લખાય છે ત્યારે રૂપિયો ડોલર સામે ૭૯ પૈસા ઘટીને ૬૯ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. રૂપિયામાં આ સૌથી મોટી ગિરાવટ કહી શકાય. યુઆન તૂટવાથી, ક્રૂડના ભાવમા વધારાથી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત બીજા દેશો પર ઈરાનથી ક્રૂડ નહી ખરીદવા કરેલા દબાણના કારણે ડોલર રૂપિયા સામે મજબુત બન્યો છે. દરમિયાન શેરબજાર પણ આજે તૂટયુ છે. બપોરે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૧૫૬ પોઈન્ટ ઘટીને ૩૫૦૬૧ અને નીફટી ૭૦ પોઈન્ટ ઘટીને ૧૦૬૦૦ ઉપર છે. ૨.૧૫ કલાકે ડોલર સામે રૂપિયો ૬૮.૯૮ ઉપર ટ્રેડ કરે છે.

આજે ભારતીય રૂપિયો ઓલટાઈમ લોની સપાટીએ પહોંચી ગયો છે. પહેલીવાર ડોલર સામે રૂપિયો ૬૯ પર પહોંચ્યો છે. આજે રૂપિયો ૬૮.૮૯ના ભાવે ખૂલ્યો હતો. અગાઉ પણ તે ૨૮ પૈસા તૂટયો હતો. છેલ્લે ૨૮ ઓગષ્ટ ૨૦૧૩ના રોજ ડોલર સામે રૂપિયો ૬૮.૮૨ની સપાટીએ પહોંચ્યો હતો જે પછી ૨૪ નવેમ્બર ૨૦૧૬ના રોજ તે ૬૮.૮૬૨૫ ઉપર પહોંચ્યો હતો. સૂત્રોના કહેવા મુજબ હજુ થોડો સમય રૂપિયો દબાણમાં રહેશે. ડોલર સામે રૂપિયો ઘટવાથી આગામી દિવસોમાં તેની વ્યાપક અસર પડે તેવી સંભાવના છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ડોલર સામે રૂપિયો ૭ ટકાથી વધુ તૂટયો છે. ક્રુડના ઉંચા ભાવથી ભારતના કરન્ટ એકાઉન્ટ ડેફીસીટ અને મોંઘવારી વધવાની આશંકાથી ઈન્વેસ્ટરોમાં પણ ગભરાટ ફેલાયો છે. થોડા દિવસની સુસ્તી બાદ ક્રૂડના ભાવ પણ વધવા લાગ્યા છે. બ્રેન્ટ ક્રૂડ ૭૮ ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની ડીમાન્ડ સામે સપ્લાય થતી નથી જેને કારણે તેજી જોવા મળી રહી છે.

ડોલર સામે રૂપિયો વધુ તૂટતા આગામી દિવસોમાં વિદેશ પ્રવાસ, વિદેશમાં શિક્ષણ, વિદેશથી આવતી ચીજવસ્તુઓ મોંઘીદાટ બને તેવી શકયતા છે. ડોલર સામે રૂપિયાને તૂટતો રોકવા રીઝર્વ બેન્ક હવે શું પગલા લે છે તે જોવાનું રહ્યું.

(3:25 pm IST)