Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

પ્રિયંકા વાડ્રા રાયબરેલીથી ચૂંટણી લડશે?

કોંગ્રેસનું મીશન ૨૦૧૯ તૈયાર

નવી દિલ્‍હી તા. ૨૮: સોનીયા ગાંધી પ્રમુખ પદ છોડાય પછી હવે સક્રિય રાજકારણમાંથી સન્‍યાસ લેવાની તૈયારીમાં છે. આવતા વર્ષે થનારી ચૂંટણીમાં સોનીયા ગાંધીની જગ્‍યાએ તેની પુત્રી પ્રિયંકા વાડ્રા રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત પક્ષે ૩૦ લોકસભા બેઠક પર કેન્‍દ્રિત રહેવાની રણનિતી બનાવી છે. જેમાંથી ૨૨ બેઠકો પર પક્ષનું પરંપરાગત વર્ચસ્‍વ છે. આઠ એવી બેઠકો છે જયાં કોંગ્રેસનું નામ તો છે પણ છેલ્લી લોકસભા ચૂંટણીમાં તે ચોથા કે પાંચમા નંબર પર હતી.

કોંગ્રેસમાં પ્રિયંકાને મુખ્‍ય હરોળમાં લાવવાની માંગ ઘણા સમયથી ચાલે છે. સોનીયાની નાદુરસ્‍ત તબિયતના કારણે તેના મત વિસ્‍તારની દેખભાળ પ્રિયંકા જ ઘણા સમયથી કરે છે. આ ઉપરાંત તે ભાઇ રાહુલગાંધીના મત વિસ્‍તારની અવાર -નવાર મુલાકાતો લે છે અને વિકાસ કાર્યો પર નજર રાખે છે. આ હિસાબે રાયબરેલી સંસદીયક્ષેત્ર માટે પક્ષને પ્રિયંકાની ઉમેદવારી સોૈથી મજબુત દેખાય છે.

રાહુલને પ્રમુખ બનાવ્‍યા પછી સંસદસત્રમાં સોનિયા ગાંધીએ સક્રિય રાજકારણથી દુર રહેવાનો ઇશારો આપી દીધો હતો. પક્ષ પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીનું કહેવું છે કે, પ્રિયંકા વાડ્રા કોંગ્રેસમાં હંમેશા સક્રિય રહયા છે. યુપી કોંગ્રેસના વરિષ્‍ઠ નેતા અખિલેશસિંહે સોનિયા ગાંધીની સક્રિય રાજકારણમાંથી વિદાય અને પ્રિયંકાના રાયબરેલીથી ચૂંટણી લડવા બાબત એટલુંજ કહયું કે હમણા મારી પાસે આ બાબતની કોઇ માહિતી નથી.

કોંગ્રેસે બધા જિલ્લા અને શહેર સમિતિઓનું પુર્નગઠન કરવાની કસરત શરૂ કરી દીધી છે. પક્ષ ત્રણ વર્ષથી વધારે સમયથી હોદ્દા પર રહેલ નેતાઓને બદલશે. પક્ષે હિમાચલ, હરીયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્‍હીમાં સંગઠનમાં ફેરફાર કરવા માટે રૂપરેખા તૈયાર કરી લીધી છે. બ્‍લોક અને બુથ લેવલે પાર્ટીને મજબુત કરવા માટે બધા સચીવો અને પ્રભારીઓને સક્રિય કરવામાં આવ્‍યા છે.

(11:17 am IST)