Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

સાત જન્મના સાથની વાત છોડો, સાત સેકન્ડ માટે પણ ન જોઇએ આવી પત્ની

પત્ની પીડિત પુરુષોએ અનોખી રીતે ઊજવ્યો મહિલાઓનો વટસાવિત્રીનો તહેવાર, પીપળાને બાંધ્યો કાળો દોરો

ઊંધી ઉજવણી : છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની બહાર આવેલી જનરલ પોસ્ટ ઓફીસ પાસેના પીપળાને ગઇકાલે કાળો દોરો બાંધી રહેલા પત્ની પીડિત પતિઓ.

મુંબઇ તા. ર૮ :.. મહારાષ્ટ્ર સહિત સમગ્ર  ભારતમાં મહિલાઓએ ગઇકાલે વટસાવિત્રી - વટપૂર્ણિમા નિમિતે વડના વૃક્ષને સૂતરનો દોરો વીંટીને પતિના દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્યની ઇશ્વરને પ્રાર્થના કરી હતી, પરંતુ બીજી બાજુ ઔરંગાબાદ અને મુંબઇ સહિત કેટલાક ઠેકાણે જીવનસાથી તરફથી પરેશાનીનો સામનો કરતા પુરુષોએ પત્નીથી મુકિતની પ્રાર્થના સાથે પીપળાને કાળા સૂતરના તાંતણા વીંટયા હતાં. પરંપરાગત માન્યતા પ્રમાણે પરિણિત મહિલાઓ સાત જન્મ સુધી એ જ પતિ મળે એવી પ્રાર્થના વટસાવિત્રીના શુભ અવસરે વડની પરિક્રમા કરી એને સફેદ તાંતણા બાંધીને કરતી હોય છે. સત્યવાનને તેની પત્ની સાવિત્રી યમરાજના તાબામાંથી છોડાવીને લાવી એ પૌરાણિક કથાના આધારે હિન્દુ ધર્મમાં વટસાવિત્રીનો તહેવાર ઊજવાય છે.

ઔરંગાબાદની બહારના વાળુ જ વિસ્તારમાં પત્ની પીડિત પુરુષ સંઘટનાએ આ તહેવાર જુદી રીતે ઊજવ્યો હતો. આ પવિત્ર દિવસે પરિણીત મહિલાઓ વડના વૃક્ષની ફરતે ઘડીયાળના કાંટાની દિશામાં ફરીને સૂતરનો દોરો બાંધે છે, પરંતુ પત્ની પીડિત પુરુષ સંઘટનાના સભ્યોએ ઘડીયાળના કાંટાની દિશાથી અવળી દિશામાં પીપળા ફરતે કાળો દોરો વીંટાળીને 'આ પત્ની આવતા સાત જન્મ સુધી ન મળે એવી પ્રાર્થના કરું છું' એવું રટણ કર્યુ હતું. એવી રીતે મુંબઇમાં ડીવોર્સકેસ ચાલતા હોય એવા પુરુષોએ પુરુષ હકક સંઘટનાના ઉપક્રમે પીપળાના વૃક્ષને કાળો દોરો વીંટાળ્યો હતો.

ઔરંગાબાદના વાળુ જ ખાતે પત્ની પીડિત પુરુષ સંઘટનાના સભ્ય તુષાર વાખરેએ જણાવ્યું હતું કે 'સંગઠનના સભ્યોની પત્નીઓ મહિલાઓ તરફી કાનૂની જોગવાઇઓનો દુરૂપયોગ કરે છે. તેમણે અમને એટલા બધા  પરેશાન કર્યા છે કે સાત જન્મના સાથની વાત છોડો, સાત સેકન્ડ માટે પણ અમે તેમની સાથે રહેવા ઇચ્છતા નથી.' (પ-૭)

(10:36 am IST)