Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

સરકારી કઠોળનું એમએસપી કરતાં ૩૫ થી ૪૦ ટકા નીચા ભાવે વેચાણ

ખુલ્લા બજારમાં આવકો ઓછી હોવા છતા મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે

નવી દિલ્હી, તા. ૨૮ :. દેશમાં કઠોળના નીચા ભાવને પગલે સરકારે તુવેર, ચણા, મગ, અડદ સહિતના કઠોળની વિક્રમી ખરીદી કરી છે, પરંતુ હવે એનુ વેચાણ પણ ખૂબ જ નીચા ભાવથી થઈ રહ્યું હોવાથી ખુલ્લા બજારમાં આવકો ઓછી હોવા છતાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નાફેડના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે સરકારી કઠોળનું વેચાણ ઓનલાઈન ઓકશન મારફત થાય છે અને સરેરાશ ૩૫ થી ૪૦ ટકા નીચા ભાવથી વેચાણ થઈ રહ્યુ છે. ખાસ કરીને અડદના ભાવ ખૂબ જ નીચા મળી રહ્યા હોવાથી સરકારને જંગી નુકસાન છે.

નાફેડ દ્વારા મગ, અડદ અને તુવેરનું વેચાણ થઈ રહ્યુ છે જેમાં અત્યાર સુધીના વેચાણના આંકડાઓનો અભ્યાસ કરીએ તો ભાવ ખૂબ જ નીચો બોલાઈ રહ્યા છે. નાફેડના અધિકારી કહે છે કે અડદનું અત્યાર સુધીમાં કુલ ૩૦ હજાર ટનનું વેચાણ થયુ છે, જે સરેરાશ પ્રતિ કિવન્ટલ ૩૨૧૮ રૂપિયાના ભાવથી થયુ છે. એની સામે સરકારે ખેડૂતો પાસેથી ૫૪૦૦ રૂપિયાના ભાવથી ખરીદી કરી હતી. સરકારે ચાલુ વર્ષે કુલ ૨.૩૬ લાખ ટન અડદની ખરીદી કરી હતી.

તુવેરની ખરીદી હજી અમુક રાજ્યોમાં ચાલુ છે, પરંતુ આંધ્ર પ્રદેશ અને તેલંગણામાંથી ખરીદેલી તુવેરનું હાલ વેચાણ થાય છે અને આ બન્ને રાજ્યોમાંથી વેચાણ ચાલુ છે અને અત્યાર સુધીમાં કુલ ૧૨,૩૯૦ ટનનું વેચાણ કર્યુ છે, જે સરેરાશ ભાવ ૩૫૫૭ રૂપિયાની થયું છે. આમ તુવેરનું પણ એના ટેકાના ભાવ ૫૪૫૦ રૂપિયાની તુલનાએ ૩૫ ટકા નીચા ભાવથી વેચાણ થઈ રહ્યુ છે. મગનું વેચાણ સરેરાશ ૪૪૩૯ રૂપિયાના ભાવથી થયુ છે, જેની સામે એના ટેકાના ભાવ ૫૫૭૫ રૂપિયા છે. આમ એનું વેચાણ ૨૦ ટકા નીચા ભાવથી થાય છે. નાફેડે મગનું અત્યાર સુધીમાં કુલ ૪૧,૭૦૦ ટનનું વેચાણ કર્યુ છે. નાફેડે ચાર રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા અને મધ્ય પ્રદેશમાંથી કુલ ૧.૨૨ લાખ ટનની ખરીદી કરી છે, જેમાથી વેચાણ હાલ ચાલુ છે.(૨-૨)

(10:34 am IST)