Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

દેશમાં દસ ગણો વધ્યો જુડવા બાળકોનો ટ્રેન્ડ

આઇવીએફ ટેકનીકની સાઇડ ઇફેકટ

નવી દિલ્હી તા. ૨૮ : સાંજનો સમય છે. સ્નેહલ અને અખિલંદિની ચાની ચૂસ્કિઓ લઈ રહ્યાં છે અને તેના જુડવા બાળકો આજુબાજુ રમી રહ્યાં છે. આ સીન માત્ર તેમના જ ઘરનો નહિ પરંતુ ભારતમાં જુડવા બાળકોનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. શું તમે કયારેય વિચાર્યું છે કે આવું શા માટે થઈ રહ્યું છે? આજે જણાવીશું શા માટે આવું થઈ રહ્યું છે.

અખિલંદિનીને શરૂઆતમાં ગર્ભધારણ કરવામાં તકલીફ થઈ રહી હતી. જોકે, પછી ૩ વર્ષ સુધી તેની સારવાર ચાલી હતી. આ પછી જયારે તેને ગર્ભ રહ્યો ત્યારે જુડવા બાળકો થયા હતાં. જયારે ડોકટરે તેને જાણ કરી કે તે જુડવા બાળકોની મા બનવાની છે. તો ખુશીથી ઉછળી પડી હતી. પહેલા આવું થતું નહોતું. જુડવા બાળકો થાય તેવું ઓછું સાંભળવા મળતું હતું. જોકે, હવે આ ટ્રેન્ડ કોમન થઈ ગયો છે. પહેલા ૭૦ ડિલિવરીમાંથી એક ઘરમાં જુડવા બાળકો થતાં હતાં. ડોકટર નરેન્દ્રના જણાવ્યાનુસાર હવે તેમાં દસ ગણો વધારો થયો છે. ડોકટર નરેન્દ્ર ઈન્ડિયન સોસાયટી ફોર અસિસ્ટેડ રિપ્રોડકશનના પ્રેસિડન્ટ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલે અન્ય સંસ્થાઓ સાથે મળીને મુંબઈના ૧૧૩ કપલ પર રિસર્ચ કર્યું હતું. જેમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યાં હતાં. પ્રેગ્નન્સીના ૪૫ ટકા કિસ્સાઓમાં જુડવા અથવા ટ્રિપ્લેટ બાળકો પેદા થઈ રહ્યાં હતાં. જોકે, તેની એક સાઈડ ઈફેકટ એ પણ રહી કે જુડવા બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગર્ભધારણની શકયતા વધારવા માટે આઈવીએફ ટેકિનકમાં મહિલાની કૂખમાં એકસાથે અનેક ભ્રુણને સ્થાપિત કરવામાં આવે છે. જે કારણે જુડવા બાળકોની શકયતા અનેકગણી વધી જાય છે.

જુડવા બાળકો થવાનું બીજું પણ એક કારણ છે. વર્તમાન સમયમાં મહિલાઓ ૩૦ની ઉંમર પછી ગર્ભધારણ કરે છે અને આવું કરવા માટે તેમને ખૂબ જ દવાઓનું પણ સેવન કરવું પડે છે. જેનું પરિણામ એ આવે છે કે તેમાં અંડાણુઓનું નિર્માણ ઝડપથી થાય છે અને આવું થવાના કારણે જુડવા બાળકો અથવા ટ્રિપ્લેટ્સની શકયતા વધી જાય છે.

આઈવીએફ એકસપર્ટ ડોકટર નંદિતા પલશેટકરે જણાવ્યું હતું કે અમારી પાસે એવા પણ દંપતી આવે છે. જેઓ જુડવા બાળકોની રિકવેસ્ટ કરે છે. જોકે, તેમને ઈનફર્ટિલિટીના કારણે તેમને પરેશાની પણ થાય છે તો તેઓ ઈચ્છે છે કે તેમને એક જ વારમાં બે બાળકો થઈ જાય તો આગળની ઝંઝટ જ પૂરી થઈ જાય.(૨૧.૮)

(10:33 am IST)