Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ઈડીના અધિકારી વિરૂદ્ધ તપાસ કરવા આખરે સુપ્રિમની મંજુરી

અપ્રમાણ સંપત્તિ કેસમાં રાજેશ્વર સામે તપાસ : સુપ્રિમ કોર્ટે મંજુરી આપી : તપાસથી રક્ષણ ધરાવતા હોવા છતાં તપાસ કરાશે : ચોંકાવનાર વિગત મળે તેવી સંભાવના

નવી દિલ્હી, તા. ૨૭ : સનસનાટીપૂર્ણ એરસેલ-મેક્સિસ અને ટુજી સ્પેકટ્રમ કેસમાં તપાસકરનાર એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટના અધિકારી રાજેશ્વર સિંહ સામે અપ્રમાણ સંપત્તિ કેસમાં તપાસ કરવા સરકારને સુપ્રિમ કોર્ટે મંજુરી આપી દીધી છે. આ મામલામાં હવે ઈડીના અધિકારી સામે પણ તપાસ કરવામાં આવનાર છે. સુપ્રિમ કોર્ટે ઈડી ઓફિસર હોવાના લીધે તપાસથી સંપૂર્ણ રક્ષણ સાથે સંબંધિત અડચણો દુર કરી લીધી છે. સુપ્રિમ કોર્ટે સરકારી એફિડેવિટને ટાંકીને આ મુજબનો આદેશ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ દોષિત છે તે વ્યક્તિનું રક્ષણ કરવા તે ઈચ્છુક નથી. એફિડેવિટમાં એમપણ જણાવવામાં આવ્યું છે કે દોષિત વ્યક્તિ કેટલા ઉંચા હોદ્દા પર છે તેને લઈને કોઈ લેવા દેવા નથી. કેન્દ્ર સરકારનું કહેવું છે કે એરસેલ-મેક્સિસ તપાસને તે યોગ્ય તારણ ઉપર લઈ જશે. આ પહેલા સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે આક્ષેપો ખૂબ જ ગંભીર છે જેના લીધે ટુજી કેસ સંવેદનશીલ બની ગયો છે. ઈડીના અધિકારીઓ સામે પણ તપાસ કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર તરફથી સુપ્રિમ કોર્ટમાં ઉપસ્થિત રહેલા એડિશનલ સોલીસીટર જનરલ વિક્રમજીત બેનર્જીએ કહ્યું છે કે સરકાર એવા આક્ષેપોમાં તપાસ કરવા તૈયાર છે કે રાજેશ્વરે અપ્રમાણ સંપત્તિ ભેગી કરી લીધી છે. બેચને સીલ કવરમાં રિપોર્ટ રજુ કરવા માટે પણ તે તૈયાર છે. જસ્ટીસ અરૂણ મિશ્રા અને સંજય કૌલની બનેલી સુપ્રિમ કોર્ટની બેચે ઈડીના ઓફિસર રાજેશ્વર સામે સીલ કરવામાં આક્ષેપો સોંપી દીધા છે. રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓને આવરી લેતા મામલામાં પણ તપાસ થઈ રહી છે. સુપ્રિમ કોર્ટ તરફથી બ્લેકન્કેટ પ્રોટેકશન ધરાવે છે તે કારણસર એક ઈડીના અધિકારીને કોઈ મુક્તિ આપી શકાય નહીં. બેચે કહ્યું છે કે ટુજી કેસ અને એરસેલ કેસમાં તપાસ કરતા અધિકારી સામે તપાસ થઈ શકે છે. બેચે ઈડીના અધિકારીને કહ્યું હતું કે તમે એક અધિકારી તરીકે છો. બ્લેન્કેટ ક્લિનચિટ આપવામાં આવી નથી. દરેક વ્યક્તિ જવાબદારી ધરાવે છે. કોઈપણ પગલા માટે સરકાર આગળ વધી શકે છે. દરેક વ્યક્તિ જે અધિકારી છે તે જવાબદારીપૂર્વક આગળ વધે તેની જરૂર છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઈન્વેસ્ટીગેટીવ જર્નાલીસ્ટ હોવાનો દાવો કરનાર રજનીશ કપૂરે સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને રાજેશ્વર સામે તપાસ કરવાની માંગ કરી છે અને એવો આક્ષેપ કર્યો છે કે રાજેશ્વરે આવકના જાણિતા સાધનોની સામે મોટી માત્રામાં અપ્રમાણ સંપત્તિ ભેગી કરી લીધી છે. રાજેશ્વરે કપૂર સામે અલગ તિરસ્કારની અરજી પણ દાખલ કરી છે અને આક્ષેપ કરવામાં આવ્યો છે કે એરસેલ-મેક્સિસ કેસમાં ચાલી રહેલી તપાસમાં ખલેલ પહોંચાડવા અથવા તો તેને રોકવાના ઈરાદા સાથે આ પ્રયાસ થઈ રહ્યા છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એક પાર્ટી તરીકે તેમને રજુ કરવા મંજુરી આપવા માંગ કરી છે. સુપ્રિમ કોર્ટે સીબીઆઈ અને ઈડી માટે તપાસ પૂર્ણ કરવા છ મહિનાની મહેતલ ૧૨મી માર્ચના દિવસે નક્કી કરી હતી. એરસેલ-મેક્સિસ સોદાબાજી કેસમાં આપવામાં આવેલી ચોક્કસ મંજુરીઓમાં રહેલી ગેરરીતિમાં તપાસ પૂર્ણ કરવા આ છ મહિનાની મહેતલ સીબીઆઈ અને ઈડીને અપાઈ હતી. એરસેલ-મેક્સિસ સોદાબાજીના મામલામાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની મુશ્કેલીઓ પણ વધી રહી છે. બંનેની જુદી જુદી તપાસ સંસ્થાઓ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી ચુકી છે.

ચિદમ્બરમની બે વખત છ છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી છે. ચિદમ્બરમ નાણામંત્રી હતા ત્યારે એરસેલ-મેક્સિસનો મામલો સપાટી પર આવ્યો હતો. આ મામલામાં તે વખતના ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી ચુકી છે. ચિદમ્બરમ આક્ષેપોને રદિયો આપી રહ્યા છે પરંતુ તેમની મુશ્કેલીઓ વધી રહી છે.

(12:00 am IST)