Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ચીન બોર્ડર ઉપર નજર રાખવા પાંખો ફફડાવી શકે અને પક્ષી જેમ હરકતો કરતા ડ્રોનનું નિર્માણ કરતુ ચીન

બેઈજિંગ: ચીને આ વખતે પક્ષી જેવા દેખાતા ડ્રોનને તૈયાર કર્યું છે. જાણકારો માને છે કે ચીનની દાનત સારી નથી. તે આવા પક્ષી જેવા દેખાતા ડ્રોનની મદદથી ભારતીય સરહદમાં તાંકઝાંક કરવાની તૈયારીમાં છે. હાલ ચીને આ ડ્રોનને મુસ્લિમ બહુમતીવાળા અશાંત વિસ્તાર શિનજિયાંગ વિસ્તારમાં તહેનાત કર્યું છે. ચીન બોર્ડર વિસ્તારોમાં નિગરાણી વધારવા માટે ઉચ્ચ ટેક્નોલોજીવાળા આ ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે.

હોંગકોંગના સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટમાં કહેવાયું છે કે હાલના વર્ષોમાં 30થી વધુ સૈન્ય અને સરકારી એજન્સીઓએ ઓછામાં ઓછા 5 પ્રાંતોમાં પક્ષીઓ જેવા દેખાતા ડ્રોન તથા અન્ય ઉપકરણો તહેનાત કર્યા છે.

પોર્ટ મુજબ દરેક ડ્રોન કોઈને કોઈ પક્ષી જેવું દેખાય છે. અને તેમાં નાનકડો કેમેરા લગાવવામાં આવ્યો છે. ડ્રોન કેમેરાની મદદથી પોતાના નિયંત્રકોને તસવીરો મોકલે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે જે વિસ્તારોમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ખાસ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમાંથી એક શિનજિયાંગ ઉઈગર સ્વાયત્ત વિસ્તાર પણ છે જે ચીનના પશ્ચિમ ભાગમાં આવેલો છે.

તેની સીમા ભારત, તાઝિકિસ્તાન, રશિયા, મંગોલિયા, કઝાકિસ્તાન, વગેરે દેશો સાથે મળે છે. જો કે હાલના વર્ષોમાં અહીં અનેક ભીષણ આતંકી હુમલા થયા છે.

જાસૂસી પક્ષીની ખાસિયતો

1. પક્ષીરૂપી ડ્રોન અસલી પક્ષીની જેમ હવામાં ઉડી શકે છે. પાંખો ફફડાવી શકે છે.

2. આ ડ્રોન લગભગ 90 ટકા પક્ષીની જેમ હરકતો કરવામાં સક્ષમ છે.

3. આ ડ્રોનનું વજન 200 ગ્રામ છે અને 40 કિલોમીટર પ્રતિ  કલાકની ઝડપથી 30 મિનિટ સુધી ઉડવામાં સક્ષમ છે.

4. તેમાં HD ક્વોલિટીની તસવીરો ખેંચનારા કેમેરા ફિટ છે.

5. આ ડ્રોન રડારની પકડમાં પણ આવશે નહીં.

(12:00 am IST)