Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

મુંબઇથી જમ્‍મુતાવી જતી સ્‍વરાજ અેક્સપ્રેસના ગંદા ટોયલેટથી નારાજ મુસાફરોઅે ૧ કલાક ટ્રેન ઉપડવા ન દીધી

મુંબઇઃ મુંબઈના બાંદ્રા ટર્મિનસથી ઉપડેલી ટ્રેન જમ્મુ તરફ જઈ રહી હતી, પરંતુ તેના એસી કોચના ગંદા ટોઈલેટથી મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા. આખરે પંજાબના અંબાલા સ્ટેશન પર કંટાળેલા મુસાફરોએ ચેન ખેંચી અને ટ્રેનને એક કલાક સુધી ઉપડવા ન દીધી. મુસાફરોએ જીદ પકડી કે જ્યાં સુધી ટોઈલેટ સાફ નહીં થાય ત્યાં સુધી ટ્રેનને ઉપડવા નહીં દઈએ.

આખરે મુસાફરોની જીદ આગળ અધિકારીઓ ઝૂક્યા, અને અંબાલા સ્ટેશને ટોઈલેટની સફાઈ થઈ ત્યાર પછી જ પેસેન્જરો તેમાં ચઢ્યા હતા. પેસેન્જરોની ફરિયાદ હતી કે, ટ્રેનના ટોઈલેટમાં પાણી પણ નહોતું આવી રહ્યું. અંબાલા સ્ટેશનેથી ટ્રેન ઉપડવાની તૈયારીમાં હતી ત્યારે જ કોઈકે ચેન ખેંચીને તેને ઉભી રાખી હતી.

મુસાફરોનો આક્ષેપ છે કે, તેમણે કોચ અટેન્ડન્ટને અનેકવાર આ અંગે ફરિયાદ કરી, પરંતુ તેણે કંઈ ધ્યાન નહોતું અને ટ્રેનમાં પાણી પણ નહોતું આવી રહ્યું, આથી લોકોએ ભેગા મળીને જ્યાં સુધી ટ્રેનનુ ટોઈલેટ સાફ ન થાય ત્યાં સુધી ટ્રેનને અટકાવી દેવાનું નક્કી કર્યું હતું.

ત્રાસી ગયેલા મુસાફરોએ સ્ટેશન પર એટલો હોબાળો મચાવ્યો હતો કે, અંબાલાના સ્ટેશન ડિરેક્ટર બીએસ ગીલ પ્લેટફોર્મ નંબર સાત પર દોડી આવ્યા હતા, અને તેમણે મુસાફરોની ફરિયાદ સાંભળી તેમને શાંત પાડવાની કોશીશ કરી હતી. પરંતુ, પેસેન્જરો એટલા ગુસ્સામાં હતા કે તેમણે સ્ટેશન ડિરેક્ટરને પણ સંભળાવી દીધું હતું કે, એસી કોચમાં મુસાફરી કરવા પૈસા આપ્યા હોવા છતાંય રેલવે તેમને પ્રાથમિક સુવિધા પણ નથી આપી રહી.

આખરે, અધિકારીએ તાત્કાલિક સફાઈ કર્મચારીઓને બોલાવ્યા હતા, અને જલ્દીથી જલ્દી આખી ટ્રેન સાફ કરવાનો આદેશ આપ્યો હતો. આખી ટ્રેન સાફ થતાં એક કલાક જેટલો સમય લાગ્યો હતો, અને ત્યાં સુધી ટ્રેન અંબાલા સ્ટેશન પર જ ઉભી રહી હતી. કેટલાક મુસાફરોએ તો આ મામલે રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆત કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.

(4:09 pm IST)