Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

દુષ્કર્મ રોકવા ૧૮થી ઓછી વયના લગ્ન ફરજિયાત થશે

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ખાસ બિલ રજૂ કરાયું : સિંધ પ્રાંતમાં મહિલાઓ સાથે દુષ્કર્મ-બાળકો સાથે કુકર્મની ઘટનાઓ ખૂબ વધી રહી હોઈ નવો કાયદો લાવવા ક્વાયત

નવી દિલ્હી, તા. ૨૮ : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બાળકોને દુષ્કર્મથી બચાવવા માટે એક એવું બિલ રજૂ કરવામાં આવ્યું છે જે આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. બિલના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, દુષ્કર્મ રોકવા માટે ૧૮ વર્ષથી ઓછી ઉંમર ધરાવનારાઓના નિકાહ કરાવી દેવા જોઈએ. જો આ બિલને મંજૂરી મળી તો પાકિસ્તાનમાં કિશોર વયે લગ્ન ફરજિયાત થઈ શકે છે.

હકીકતે સિંધ પ્રાંતમાં મહિલાઓ સાથે દુષ્કર્મ અને બાળકો સાથે કુકર્મની ઘટનાઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ સંજોગોમાં પ્રાંતીય વિધાનસભાના મુત્તાહિદા મજલિસ-એ-અમલ (એમએમએ)ના સદસ્ય સૈયદ અબ્દુલ રશીદે સચિવાલયમાં 'સિંધ અનિવાર્ય વિવાહ અધિનિયમ, ૨૦૨૧'નો એક ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, એવા વાલીઓ જેમના વયસ્ક બાળકોના ૧૮ વર્ષ બાદ પણ લગ્ન નથી થયા તેમણે જિલ્લાના નાયબ કમિશનર સમક્ષ લગ્ન થવામાં મોડું થવાના યોગ્ય કારણ સાથેનું એક શપથપત્ર પ્રસ્તુત કરવું પડશે.

પ્રસ્તાવિત બિલના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, શપથપત્ર પ્રસ્તુત કરવામાં અસફળ રહેનારા વાલીઓએ ૫૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે. રશીદના કહેવા પ્રમાણે જો આ બિલને કાયદો બનાવવાની મંજૂરી મળી જશે તો તેનાથી સમાજમાં ખુશાલી આવશે.

આ કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકોને સજા આપવા માટે પણ જોગવાઈ છે. પાકિસ્તાની રાજનેતાએ કહ્યું છે કે, તેનાથી સમાજની બદીઓ, બાળકો સાથે દુષ્કર્મ અને અનૈતિક ગતિવિધિઓને નિયંત્રિત કરવામાં મદદ મળશે. રશીદના કહેવા પ્રમાણે મુસ્લિમ મહિલા-પુરૂષોને ૧૮ વર્ષની ઉંમર પહેલા લગ્નનો અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ તેને પૂરો કરવો તેમના વાલીઓની જવાબદારી રહેશે.

પાકિસ્તાનમાં આ બિલના વિરોધમાં અવાજ તેજ બન્યા છે. સાંસદ સાદિયા જાવેદે જણાવ્યું કે, ઈસ્લામમાં લગ્ન માટે ૧૮ વર્ષની ઉંમર અનિવાર્ય નથી. આ ઉંમરે તો વ્યક્તિ પોતાનો અભ્યાસ પણ પૂર્ણ નથી કરી શકતો. એવામાં કોઈ વ્યક્તિ એમ ન ઈચ્છે કે તેની દીકરીના લગ્ન એક બેરોજગાર વ્યક્તિ સાથે થાય. રશીદે બેરોજગારીને એક માન્ય ચિંતા ગણાવી હતી.

(8:00 pm IST)