Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ન કિસ, ન હગ, માસ્ક અને ગ્લોઝ સાથે શરૂ થશે ફિલ્મ-ટીવી શૂટીંગ

પ્રોડયુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડીયાએ ૩૭ પાનાના દિશાનિર્દેશો જારી કર્યાઃ કડક પાલન કરવુ પડશેઃ ટૂંક સમયમાં શરૂ થશે ફિલ્મ-ટીવી ઉદ્યોગ

મુંબઈ, તા. ૨૮ :. કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વ બેહાલ છે. લોકડાઉનને કારણે કામ-ધંધા પણ બંધ છે અને લોકો ઘરમાં બેસવા માટે મજબુર થયા છે. હંમેશા વ્યસ્ત રહેતા કલાકારો પણ ફિલ્મો અને ટીવી સિરીયલથી દૂર છે. લોકડાઉનને કારણે મનોરંજન ઉદ્યોગને ઘણુ બધુ નુકશાન થયુ છે. છેલ્લા બે મહિનાથી દરેક પ્રકારના પ્રોડકશન અને પોસ્ટ પ્રોડકશનનું કામ બંધ છે. એવામાં જ્યાં કેટલાક કલાકારો પરેશાન છે તો કેટલાક એવા પણ છે જે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. ફરી શૂટીંગ શરૂ કરવા માટે પ્રોડયુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડીયા દ્વારા નવા વર્કિંગ પ્રોટોકોલ બનાવવામાં આવેલ છે જેને ધ્યાને રાખી શૂટીંગ શરૂ કરવામાં આવશે.

પ્રોડયુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડીયાએ હાલમાં ૩૭ પાનાના દિશાનિર્દેશો જારી કર્યા છે જેમા શૂટીંગ દરમિયાન તમામ પ્રકારની સાવધાની રાખવા જણાવાયુ છે. જ્યારે પણ શૂટીંગની પરવાનગી મળશે તો સેટ ઉપર સોશ્યલ ડીસ્ટન્સીંગ, કાસ્ટ અને ક્રુનુ મેડીકલ ચેકઅપ કરવામાં આવશે. નિર્માતાઓએ તાજેતરમાં એક બેઠક કરી આ દિશાનિર્દેશો જારી કર્યા છે.

જેમાં હાથ ધોવા, સેનેટાઈઝેશન, માસ્ક, ગ્લોવ્ઝ ફરજીયાત રહેશે. શૂટીંગ દરમિયાન હાથ મિલાવવા, હગ કરવા (ભેટવા) અને કિસ ઉપર પ્રતિબંધ રહેશે. સેટ, ઓફિસ, સ્ટુડીયોમા સિગારેટ શેયરીંગથી બચવામાં આવશે. સહયોગીઓ વચ્ચે બે મીટરનું અંતર રહેશે. ૬૦થી ઉપરના લોકોને ૩ મહિના કામ પર બોલાવવામાં નહિ આવે. શૂટીંગના ૪૫ મીનીટ પહેલા સેટ પર બધાને કોરોનાથી બચવાની માહિતી અપાશે. સેટ પર એક એમ્બ્યુલન્સ, બે ડોકટર અને એક નર્સ રાખવામાં આવશે. કેટરીંગ અને ટ્રાન્સપોર્ટને પણ આકરા નિયમોનું પાલન કરવાનું રહેશે. ૧૫ માર્ચથી સ્ટુડીયોમાં શૂટીંગ બંધ છે.

 

(11:13 am IST)