Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

પીનેવાલે કભી મહક જાતે હૈ, કભી બહક જાતે હૈ...

વિમાનો ઉડવા લાગ્યા, હવે હોટલો અને દારૂની દુકાનો ખૂલશે

ગુજરાતમાં પરવાનાવાળી ૭૦ દુકાનો અને પીવાના પરવાનાવાળા ૨૭ હજાર લોકોઃ ૧ જુન આસપાસથી છુટ આપવાની વિચારણા

રાજકોટ તા. ૨૮: ગુજરાતમાં ૨૫ માર્ચથી લોકડાઉન વખતથી પરવાનાવાડી દારૂની દુકાનો (લિકર શોપ) બંધ છે. હવે ચોથા તબક્કાનો લોકડાઉન પૂર્ણતા તરફ છે ત્યારે પરવાનાવાળી દુકાનો ખૂલવાના એંધાણ છે.  રાજ્ય સરકાર તા.૩૧મી સુધીમાં અથવા ત્યારબાદ તુરત આવી દુકાનો ખોલવાની છુટ આપવા માંગતી હોવાના વાવડ મળે છે.

સરકારી સુત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં લગભગ દારૂની દુકાનો પ્રથમ હરોળની હોટલોમાં આવેલી છે. ૭૦ જેટલી હોટલોની સાથે માન્ય દારૂની દુકાનો નોંધાયેલી હોય છે. ત્યાંથી પરવાના ધારકને નિયત માત્રામાં દારૂ મળી રહે છે.  દારૂનો પરવાનો મેળવવા માટે આરોગ્યનો હેતુ હોવો જરૂરી છે. સરકારી હોસ્પિટલોમાં તપાસ કરી  નિયમ  મુજબ  દારૂની પરમિટ આપવામાં આવે છે. રાજ્યમાં આવા ૨૭ હજાર જેટલા લોકો દારૂ ખરીદવાનો અને બંધ બારણે પીવાનો  પરવાનો ધરાવે છે. પરવાના વગરનો દેશી અને વિદેશી દારૂ  કેટલો વેચાય છે, કેટલો પકડાય છે અને કેટલો પીવામાં આવે છે તેનો કોઇ હિસાબ નથી.

લોકડાઉનમાં છુટછાટ મળતાં હવે  આંતરરાજ્ય ફલાઇટ શરૂ થઇ છે.  ટુંક સમયમાં આંતરરાષ્ટ્રિય ફલાઇટ શરૂ થવાની શકયતા છે. હાલ માત્ર કોરોનાની કામગીરી સાથે જોડાયેલી હોટલોને જ દર્દીઓની સુવિધા માટે ખોલવાની મંજુરી આપવામાં આવી છે. હવે હવાઇ પ્રવાસ શરૂ થવાથી પ્રવાસીઓ માટે ઉતારાની વ્યવસ્થા જોઇએ તે સ્વભાવિક છે.તેના માટે હોટલો ખોલવાની છુટ આપવી પડે તેમ છે. અત્યાર સુધી હોટલો ન ખોલી શકવાથી તેની સાથે સંકળાયેલી દારૂની દુકાનોને સરકાર ખોલવાની મંજુરી આપતી નહોતી. હવે પરવાનાવાળા લોકોને દારૂ મેળવવાની મુશ્કેલીનો ટુંક સમયમાં અંત આવે તેવા એંધાણ છે.

(11:11 am IST)