Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

વિશ્વમાં લગભગ દરેક વ્યકિત સંક્રમિત થશેઃ લોકડાઉનનો ફાયદો નથીઃ વાયરસ ૨૦૨૧ સુધી રહેશે

૯૯ ટકા લોકોમાં ઓછા અથવા લક્ષણ હશે જ નહિઃ નિષ્ણાતો રાહુલ ગાંધીએ વિડિયો કોન્ફરન્સ થકી નિષ્ણાતો સાથે વાત કરી

નવી દિલ્હી, તા.૨૮: ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રદ્યુરામ રાજન અને નોબેલ પુરસ્કાર વિજેતા અભિજિત બેનર્જી સાથે વાતચીત કર્યા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રોફેસર આશીષ ઝા સાથે વાત કરી, જે વિશ્વ સ્તર પર માન્યતા પ્રાપ્ત પબ્લિક હેલ્થ પ્રોફેશનલ અને મહામારી નિષ્ણાંત સ્વિડિશના પ્રખ્યાત પ્રોફેસર જોહાન ગિસેકા સાથે ઘ્બ્સ્ત્ઝ્ર-૧૯ મહામારી અંગે ચર્ચા કરી હતી. આ વિડીયોમાં રાહુલ ગાંધી એકસપર્ટ્સ સાથે કોરોના વાયરસના લક્ષણો, વાયરસની ગંભીરતા, ટેસ્ટિંગ સ્ટ્રેટેજી, કોરોના વાયરસ પછીની દુનિયા કેવી હશે? જેવી બાબતો વિશે વિગતે ચર્ચા કરી હતી.

આ વાતચીત અંગેનું વિડીયો કન્વર્ઝેશન રાહુલ ગાંધીની યુ ટ્યૂબ ચેનલ પર રીલિઝ કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ પ્રોફેસર જોહાનને પૂછ્યું કે તમે એક મહામારી એકસપર્ટ છો અને સ્વીડન અને યુરોપની નજરે કેવી રીતે જોઈ રહ્યાં છો? જેના પર પ્રોફેસર જોહાને કહ્યું કે, 'આ બીમારી આગની જેમ ફેલાઈ રહી છે. દુનિયાભરમાં લગભગ દરેક વ્યકિત સંક્રમિત થશે, પરંતુ આ હળવી બીમારી છે.' કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'આ વાતચીત રસપ્રદ રહી હતી કારણકે પ્રોફેસર આશીષ ઝા લોકડાઉન હોવાના સમર્થનમાં છે કારણકે તેનાથી કેસની સંખ્યા ધીમેથી વધશે જયારે પ્રોફેસર જોહાનનું માનવું છે કે લોકડાઉનથી કશો ફાયદો થવાનો નથી અને મોટાભાગના લોકો આ વાયરસની ઝપેટમાં આવશે.'

આ દરમિયાન રાહુલ ગાંધીએ એવું પણ પૂછ્યું હતું કે લોકડાઉનની બહાર કઈ રીતે આવવાનું છે? આ માટે સૌથી સારી રણનીતિ કઈ છે? જેના જવાબમાં પ્રોફેસર ગિસેકાએ જણાવ્યું હતું કે, 'હું વિચારું છું કે લોકડાઉનમાંથી બહાર આવવાની પ્રક્રિયા તબક્કાવાર હોવી જોઈએ. તમે પ્રતિબંધમાં હળવાશ આપતા જાઓ અને ૨-૩ અઠવાડિયા રાહ જુઓ. જો વાયરસ ફેલાય છે તો તમે અન્ય કેટલાક પ્રતિબંધો ફરીથી લગાવી શકો છો. આ કારણે મને લાગે છે કે લોકડાઉનમાંથી બહાર નીકળતા હજુ મહિનાઓ લાગશે.'

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે એ પણ કહ્યું કે, 'મેં કેટલાક સત્તાધીશોને પૂછયું કે ટેસ્ટ શા માટે ઓછા થઈ રહ્યાં છે? તેમનું કહેવું છે કે જો તમે ટેસ્ટની સંખ્યા વધારશો તો લોકોમાં ડર પેદા થશે. મને લાગે છે કે બીમારીથી લડવા માટે વધારેમાં વધારે ટેસ્ટ મહત્વના છે.' રાહુલ ગાંધીએ કહ્યું કે ટેસ્ટથી મુશ્કેલી હળવી થશે અને જો તમે મોટાપાયે ટેસ્ટ કરો છો તો તમે વધારે સુરક્ષિત રહેશો. રાહુલ ગાંધીના આ નિવેદન પર પ્રોફેસર આશીષ ઝાએ કહ્યું કે, ભારતમાં પૂલ ટેસ્ટિંગ કરી શકાય છે. જેની મદદથી સીમિત સંખ્યામાં કિટ હોવા છતાં પણ પૂરતું ટેસ્ટિંગ કરી શકશો.

પ્રોફેસર આશીષ ઝાએ કહ્યું કે, 'મને પૂરો વિશ્વાસ છે કે આવતા વર્ષ સુધીમાં કોરોનાની વેકસીન આવી જશે અને ભારત પાસે કોઈ યોજના હોવી જોઈએ કે કેવી રીતે તમે મોટી સંખ્યામાં લોકોને વેકસીન આપી શકો છો. આ વાત પર ધ્યાન આપવાની જરુર છે.' રાહુલ ગાંધીએ એ ઉમેર્યુ હતું કે, 'ભોજન એક ગંભીર સમસ્યા બનતી જઈ રહી છે. કારણકે આપણી પાસે મોટી સંખ્યામાં મજૂર છે અને તે રોજની મજૂરી પર નિર્ભર છે. મજૂરી ન મળતા તેઓ પહેલાથી જ મુશ્કેલીઓથી ઘેરાયેલા છે.' જેના પર પ્રોફેસરે જવાબ આપતા કહ્યું કે, 'આ માત્ર ૧૨-૧૮ મહિનાની જ મુશ્કેલી છે. આપણે કંઈપણ કરીએ ૨૦૨૧ સુધી આપણી સાથે જ રહેશે. જો બધું સમસૂતરું રહ્યું તો ૨૦૨૧માં જીવન ફરીથી સામાન્ય થવા લાગશે.'

(10:32 am IST)