Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

અલ્પેશ ઠાકોરનો ધડાકો...૧૫થી પણ વધુ ધારાસભ્યો કોંગ્રેસ છોડી રહ્યા છે

અમદાવાદ, તા.૨૮: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે કે, કોંગ્રેસમાં સૌ કોઈ વ્યથિત છે. અડધાથી વધુ ધારાસભ્યો પક્ષમાં ખુશ નથી. અલ્પેશે એવું પણ કહ્યું છે કે ૧૫થી વધુ ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડવાની તૈયારીમાં છે. મહત્વનું છે કે, અલ્પેશે ગઈકાલે નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે મુલાકાત કરી હતી.

કોંગ્રેસ છોડી ચૂકેલા અલ્પેશ ઠાકોરનું ભાજપમાં જોડાવું નક્કી છે. આજે અલ્પેશે જણાવ્યું હતું કે, કોંગ્રેસ છોડવાનો નિર્ણય તેમણે પોતાના અંતરાત્માના અવાજને અનુસરીને લીધો હતો. સરકારની મદદથી ગરીબો માટે કામ કરવાની વાત કરતા અલ્પેશે કહ્યું હતું કે, અમે લોકો માટે કામ કરવા માગીએ છીએ. થોભો અને રાહ જુઓ, ૧૫થી પણ વધારે ધારાસભ્યો કોંગ્રેસ છોડી રહ્યા છે. પક્ષમાં કોઈ ખુશ નથી.

અલ્પેશે કહ્યું હતું કે, તેમના સમાજના લોકો ગરીબ અને પછાત છે. તેમને સરકારની મદદની જરુર છે. પોતાને લોકો સુધી સરકારની મદદ ન પહોંચાડી શકયા હોવાનો રંજ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. પોતાના સંગઠને કોંગ્રેસમાં ન રહેવા માટે કહ્યું હોવાનું પણ અલ્પેશનું કહેવું છે. તેમણે જણાવ્યું હતું કે, જયાં આપણું સમ્માન ન જળવાય, જયાં હક્કોની કોઈ વાત ન હોય તેવા પક્ષમાં રહીને કોઈ મતલબ નથી.

મહત્વનું છે કે, અલ્પેશ ઠાકોર ૨૦૧૭થી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા, અને રાધનપુર બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર લડીને વિજયી બન્યા હતા. હાલ અલ્પેશે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, પરંતુ તેઓ ધારાસભ્ય પદ પર ચાલુ છે. અલ્પેશના ઘરે તાજેતરમાં જ વાસ્તુપૂજન હતું, જેમાં પ્રદીપસિંહ તેમજ જીતુ વાદ્યાણી પણ મહેમાન બન્યા હતા.

(3:15 pm IST)