Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10નું કુલ ૬૭.૫% પરિણામ : સમગ્ર રાજ્યમાં જુનાગઢ જીલ્લાનું ખોરાસા કેન્દ્ર ૯૬.૯૩% સાથે પ્રથમ : પરિણામ સવારે 5 વાગ્યે બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા www.gipl.net પર જાહેર કરાયું : A1 ગ્રેડમાં ૬૩૭૮ છાત્રો

સુરત જિલ્લાનું ૮૦.૦૬ ટકા પરિણામ સાથે ગુજરાતમાં ટોપ પર : ૧૦૦ ટકા પરિણામ મેળવતી ૩૬૮ શાળાઓ : રાજ્‍યમાં ઉંચુ પરિણામ આવતા ઉત્‍સાહ-આનંદથી પરિણામને છાત્રો-વાલીઓએ વધાવ્‍યું : બોર્ડ દ્વારા સવારે વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયા બાદ માર્કશીટ પણ સોમવારે જ આપી દેવાનું આયોજન : ધો.10ની માર્કશીટનું વિતરણ જિલ્લાના વિતરણ સ્થળોએ સવારના 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કરવામાં આવશે : જે-તે સ્કૂલોએ વિતરણ સ્થળોએથી માર્કશીટ મેળવી લઈ વિદ્યાર્થીઓને આપવાની રહેશે.

રાજકોટ, તા. ૨૮ :. રાજ્‍યના ૧૧ લાખ પરીક્ષાર્થીઓ અને તેના વાલીઓની આતૂરતાનો અંત આવ્‍યો છે. શિક્ષણ બોર્ડે આજે ધો. ૧૦નું પરિણામ જાહેર કર્યુ છે. ધો. ૧૦નું પરિણામ ૬૭.૫૦ ટકા જાહેર થયુ છે. જે ગત વર્ષના પરિણામ કરતા માત્ર પોણો ટકા જ ઓછું આવ્‍યુ છે.

ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. ૧૦નું પરિણામ જાહેર થયુ છે. જે ૬૭.૫૦ ટકા આવ્‍યુ છે. ધો. ૧૦ની પરીક્ષા ૭૯૦૨૪૦ વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી માધ્‍યમિક શાળા પ્રમાણપત્રને પાત્ર ૫૩૩૪૧૪ વિદ્યાર્થીઓ માન્‍ય થયા છે. ધો. ૧૦માં જૂનાગઢ જિલ્લાના ખોરાસા કેન્‍દ્રનું પરિણામ સૌથી વધુ ૯૬.૯૩ ટકા આવ્‍યુ છે. જ્‍યારે સૌથી ઓછુ પરિણામ મેળવતુ કેન્‍દ્ર દાહોદ જિલ્લાનું સુખસર કેન્‍દ્રનું ૫.૯૩ ટકા આવ્‍યુ છે. સમગ્ર ગુજરાત રાજ્‍યમાં સૌથી વધુ પરિણામ મેળવતો જિલ્લો સુરત છે. ધો. ૧૦ સુરતનું પરિણામ ૮૦.૦૬ ટકા આવ્‍યુ છે, જ્‍યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ ૩૭.૩૫ ટકા આવ્‍યુ છે.

ધો. ૧૦ના ૧૦૦ ટકા પરિણામ મેળવતી ગુજરાતની ૩૬૮ શાળાઓ છે. જ્‍યારે ૧ વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્‍યા ૯૮૭૪ છે. જ્‍યારે ૨ વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્‍યા ૨૭૮૦૭ છે.

સમગ્ર ગુજરાત રાજ્‍યમાં ધો. ૧૦માં આ વર્ષે નવો કિર્તીમાન સ્‍થપાયો છે. એ-વન ગ્રેડમાં સમગ્ર ગુજરાત રાજ્‍યમાં ૬૩૭૮ વિદ્યાર્થીઓ ઝળકયા છે. જ્‍યારે ૧-ટુ ગ્રેડમાં ૩૩૯૫૬, બી-વન ગ્રેડમાં ૩૨૭૩૯, બી-ટુ ગ્રેડમાં ૧૨૭૧૧૦ વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ છે.

દરેક પરીક્ષાની જેમ ધો. ૧૦માં પણ જાહેર થયેલા પરિણામમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓનુ પરિણામ વધુ આવ્‍યુ છે. ધો. ૧૦માં વિદ્યાર્થીઓનું પરિણામ ૬૩.૭૩ ટકા અને વિદ્યાર્થીનીઓનું પરિણામ ૭૨.૬૯ ટકા આવ્‍યું છે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણબોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૮માં લેવાયેલ માધ્‍યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા માધ્‍યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા રાજયના ૯૦૮ કેન્‍દ્રો પર લેવામાં આવેલ હતી. જેમાં ૩૩૬૧ પરીક્ષાસ્‍થળો (બિલ્‍ડીંગો) વપરાશમાં લેવામાં આવ્‍યા હતા.

પરીક્ષામાં ૭૯૫૫૨૮ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી ૭૯૦૨૪૦   પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત ઉમદેવારોનું પરિણામ ૬૭.૫૦ ટકા જાહેર કરવામાં આવે છે. જયારે રિપીટર ઉમેદવાર તરીકે ૨૪૧૦૪૩ ઉમેદવારો નોંધાયા હતા તે પૈકી ૨૩૩૪૭૬ ઉમેદવારો ઉપસ્‍થિત રહયા હતા. જેમાંથી ૩૩૧૧૭ ઉમેદવારો સફળ થતાં તેઓનું પરિણામ ૧૪.૧૮ ટકા આવ્‍યું છે. આ ઉતરાંત ખાનગી ઉમેદવાર તરીકે નોંધાયેલ તથા ઓછી હાજરીના કારણે એક્ષટર્નલ ઉમેદવાર તરીકે તબદીલ થયેલ કુલ ૪૧૦૮૫ ઉમેદવારો પૈકી ૩૭૭૨૫ ઉમેદવારો ઉપસ્‍થિત રહયા હતા. જેમાંથી ૨૬૨૦ ઉમેદવારો પ્રમાણપત્રને પાત્ર બનેલ છે, તેઓનું પરિણામ ૬.૯૪ ટકા આવેલ છે.

જૂન ૨૦૧૬ થી રાજયની ૫૭ શાળાઓએ ધોરણ -૯માં અંગ્રેજી (પ્રથમ ભાષા), વિજ્ઞાન અને ગણિત વિષયોમાં એનસીઇઆરટીના પાઠયપુસ્‍તકો અનુસાર અભ્‍યાસ કરાવવાનો પાઇલટ પ્રોજેકટ અમલમાં મુકેલ. આ પ્રોજેકટ હેઠળ ૫૯૫૬ ઉમેદવારો એ આ વર્ષે ધોરણ-૧૦માં એનસીઇઆરટીના પાઠયપુસ્‍તકો અનુસાર તૈયાર કરાયેલ પ્રશ્નપત્રો મુજબ પરીક્ષા આપેલ છે. બોર્ડ દ્વારા તેમના મૂલ્‍યાંકનની કામગીરી પણ સુપેરે ગોઠવવામાં આવેલ હતી. આ વર્ષે પ્રથમવાર પ્રજ્ઞાસક્ષુ ઉમેદવારોને બ્રેઇલલિપીમાં તૈયાર કરાયેલ પ્રશ્નપત્રો આપવામાં આવ્‍યા હતા.

ગેરરીતિ ડામવા હાથ ધરાયેલ પગલાં જેવા કે સીસીટીવી કેમેરા અને જરૂરીયાત હતી તેવા વર્ગખંડોમાં મુકાયેલ ટેબ્‍લેટ્‍સ દ્વારા  પરીક્ષાખંડના નિરિક્ષણને સમાજમાં સુંદર આવકાર મળ્‍યો છે. સમગ્ર વર્ષ દરમિયાન સ્‍વબળે મહેનત કરનાર તેજસ્‍વી વિદ્યાર્થીઓને યોગ્‍ય ન્‍યાય આપવાની દિશામાં લેવાયેલ આવા પગલાંઓની સરાહના થઇ રહેલ છે.

ધો.૧૦માં એક વિષયમાં ૬૩૭૮ અને બે વિષયમાં ૩૩૯૫૬ નાપાસ 
રાજકોટ, તા. ૨૮ : શિક્ષણબોર્ડ દ્વારા જાહેર થયેલુ પરિણામના અવલોકન કરતાં ધો.૧૦માં એક વિષયમાં નાપાસ થનારાઓની સંખ્‍યા ગત વર્ષ કરતાં ઘણી ઓછી થઈ છે. ૨૦૧૭માં ધો.૧૦માં એક વિષયમાં નાપાસ થનારાઓની સંખ્‍યા ૨૧,૩૧૯ હતી જે ૨૦૧૮ આજે જાહેર થયેલા પરિણામમાં ૯૮૭૪ વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ થયા છે. જયારે બે વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્‍યા ૨૦૧૭માં ૫૯૬૭૧ વિદ્યાર્થીઓ હતા. જે આજે જાહેર થયેલુ ધો.૧૦માં બે વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્‍યા ૨૭,૭૦૮ છે.

ધો.૧૦માં ૧૦૦% પરિણામ મેળવતી શાળાઓ ૩૬૮ છે. જયારે ૨૦૧૭માં ૧૦૦% પરિણામ મેળવતી શાળાઓની સંખ્‍યા ૪૫૧ હતી.

શિક્ષણમાં કુમારો કરતા કન્‍યાઓ વધુ તેજસ્‍વી : ધો.૧૦માં વિદ્યાર્થીઓનું ૬૩.૭૩% અને વિદ્યાર્થીનીઓનું ૭૨.૬૯% પરિણામ

રાજકોટ, તા. ૨૮ : છેલ્લા કેટલાક સમયથી તમામ ક્ષેત્રે યુવકોથી યુવતીઓ આગળ નીકળી જાય છે. તે શિક્ષણમાં હોય કે અન્‍ય રમત-ગમતમાં કે અન્‍ય રોજગારીમાં,  નારી શકિત તમામ સ્‍થળોએ અવ્‍વલ નંબરે રહે છે. અગાઉના પરિણામોમાં યુવક કરતાં યુવતીઓએ શિક્ષણમાં શ્રેષ્‍ઠ દેખાવ કરી વધુ ગુણ અકીલા મેળવ્‍યા છે. આજે જાહેર થયેલું ધો.૧૦ના પરિણામમાં કુમારો કરતાં કન્‍યાઓએ શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ દેખાવ કરી વધુ પરિણામ મેળવ્‍યુ છે. ધો.૧૦માં કુમારોનું પરિણામ ૬૩.૭૩% અને કન્‍યાઓનું પરિણામ ૭૨.૬૯% આવ્‍યુ છે.

(12:06 pm IST)