Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોમવાદી તત્વોને લપડાક :અસમમાં ફસાયેલા મુસ્લિમ યુવકને હિંદુ પરિવારે કરાવી ઈફ્તારી

યુવક માટે ઈફ્તારીની વ્યવસ્થા એક હિંદૂ પરિવારે કરી

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે દેશના કેટલાક ભાગોમાંથી દેશની સંસ્કૃતિને ઠેસ પહોંચાડનારી ઘટનાઓ બને છે ત્યારે કેટલીક ઘટનાઓ કોમવાદી તત્વોને લપડાક પણ લગાવે છે દેશમાં 25મી માર્ચથી લોકડાઉન છે ત્યારે વિદ્યાર્થીઓથી લઈને કામદારો સુધી પોતાના ઘરોથી દૂર ફસાયેલા છે.આવો જ એક મુસ્લિમ યુવક અસમમાં પણ છે. મુસ્લિમોના પવિત્ર માસ રમઝાનની શરુઆત થઈ ગઈ છે. રમજાનમાં આ મુસ્લિમ યુવકે પણ રોજા રાખ્યા છે. સૌથી સુંદર વાત એ છે કે આ યુવક માટે ઈફ્તારીની વ્યવસ્થા એક હિંદૂ પરિવાર કરી રહ્યો છે.

 

      માત્ર આટલું જ નહી, પરંતુ આ પરિવાર આ યુવક સાથે ઈફ્તારમાં પણ શામિલ થાય છે. સોશિયલ મીડિયા પર એક ફોટો શેર થયો છે. જેમાં એક પરિવારની મહિલા અને પુરુષ વચ્ચે યુવક ટોપી પહેરીને બેઠો છે. સામે ભોજન મૂક્યું છે અને ત્રણેય લોકો સાથે ચા પી રહ્યા છે.

      દેશમાં ભાઈચારો વધારનારી આ પ્રકારની ઘટનાઓ અનેકવાર સામે આવે છે. ક્યારેક દિવાળીના અવસરે મુસ્લિમ સમાજના લોકો પોતાની ફરજ નિભાવે છે તો ઈદ અથવા રમજાનના અવસર પર હિંદૂ સમાજના લોકો ભાઈચારાની મિસાલ રજૂ કરે છે. આજકાલ દેશમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે પણ આવા તમામ સમાચારો સામે આવી રહ્યા છે અને લોકો ધર્મ-જાતિ ભૂલીને એકબીજાની મદદ કરી રહ્યા છે.

(10:08 pm IST)