Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ઉત્તરાખંડની મોટાભાગની વસ્તીના ઘરના ચૂલાને પણ કોરોનાનો ચેપ

ચારધામ યાત્રા તેમના ચુલામાં ઇંધણનું કામ કરે છેઃ આ સિઝન પણ કોરીધાકોર જશે

નવી દિલ્હી તા. ર૮ :.. અરવિંદ ગોસ્વામી ગૌરીકુંડના રહેવાસી છે. આ એ જગ્યા છે જયાંથી કેદારનાથની પગપાળા યાત્રા શરૂ થાય છે. વર્ષ ર૦૧૩ સુધી ગૌરીકુંડના મુખ્ય બજારમાં અરવિંદની એક હોટલ હતી. ગૌરીશંકર નામની આ હોટલ તેમની આવકનો મુખ્ય સ્ત્રોત હતી, જે ર૦૧૩ માં આવેલી ભીષણ આફત વખતે છિન્નભિન્ન થઇ ગઇ. અરવિંદ કહે છે કે આ આપદા અમારું બધું જ છિનવી ગઇ. અહીં મારી રર રૂમની એક હોટલ હતી. જયાં હવે માત્ર કાટમાળ જ બચ્યો હતો. સરકારે મદદ માટે ત્રણ લાખ રૂપિય આપ્યા હતાં. તેમાંથી હોટલ તો શું બે રૂમ, પણ ન બની શકે. તે નુકસાનમાંથી અમે હજુ બહાર આવ્યા ન હતા કે કોરોનાની મહામારીએ અમારી કમર તોડી નાંખી.

અરવિંદ ગોસ્વામીની કહાણી કેદાર ઘાટીના હજારો અને અન્ય વેપારીઓની પણ કહાણી છે. ર૦૧૩ ની આફત વખતે અહીંના વેપારીઓની દુકાનો, હોટલો, ઢાબા વગેરે મંદાકિની નદીના રૌદ્ર રૂપમાં સમાઇ ગયા. આ ક્ષેત્રના તમામ વેપારીઓ કેદારનાથ યાત્રા પર જ નિર્ભર છે.

આપદાનાં બે-ત્રણ વર્ષ બાદ પણ યાત્રા પ્રભાવિત રહી. આ વેપારીઓને થયેલાં નુકસાનની ભરપાઇ પણ હજુ થઇ શકી ન હતી. અરવિંદ કહે છે કે વર્ષ ર૦૧૬ બાદ યાત્રાએ ગતિ પકડી ત્યારે અમે હિંમત ભેગી કરીને  કામ-ધંધો જમાવવાનો પ્રયાસ કર્યો. બેન્કમાંથી લોન લીધી અને હોટલ-દુકાનો ફરી બનાવવાની શરૂ કરી. મેં પણ ૧૧ લાખની લોન લઇ ગયા વર્ષે કેટલાક રૂમ બનાવ્યા. જેથી આ વર્ષે યાત્રા દરમિયાન તે રૂમ ભાડે આપીને કમાઇ શકું, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી આવી અને યાત્રા ફરી  ચોપટ થઇ. હવે અમે આ દેવું ભરપાઇ કેમ કરી શકીશું. એ એક સવાલ છે.

(3:30 pm IST)