Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

આને કહેવાય બરાબરની કઠણાઇ

કોરોનાથી બચ્યો તો ટીબીમાં મર્યો : ઝારખંડના યુવાનનું અમદાવાદમાં મૃત્યુ

અમદાવાદ, તા. ર૮ : કોરોના વાયરસ સામે લોકડાઉન દરમ્યાન ઝારખંડનો એક યુવક પરવેઝ અંસારી કોરોનાથી તો બચી ગયો પણ ટીબી તેના માટે યમરાજ બની ગયો. રાંચી પાસેના ઇટકીનો રહીશ પરવેઝ છેલ્લા દસ મહિનાથી અમદાવાદની એક ફેકટરીમાં કામ કરતો હતો.

લોકડાઉન દરમ્યાન તેની પાસે કોઇ કામ નહોતું રહ્યું. ૧૯ વર્ષના પરવેઝને ટીબીની બિમારી હતી. લોકડાઉનમાં આ રોગે તેની હાલત વધારે ખરાબ કરી દીધી. કોરોનાના સંકટકાળમાં અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા પરવેઝની હાલત બગડી હતી. તેને સીવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, ત્યાં તેનો કોરોનાનો રિપોર્ટ પણ કરાવાયો હતો જે નેગેટીવ આવ્યો હતો, પણ ગયા ગુરૂવારે તેનું ટીબીના કારણે મૃત્યુ થયું હતું.

થોડા દિવસ પહેલા પરવેઝે એક એનજીઓ મારફતે પોતાના ભાઇ તૌહીદને વીડીયો કોલ કર્યો હતો, ત્યારે તેણે બધી પરિસ્થિતિ જણાવી હતી. તૌહિદે આક્ષેપ કર્યો છે કે પરવેઝને સીવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં ત્રણ દિવસ સુધી ભૂખ્યો રખાયો હતો. તૌહિદે જણાવ્યું કે વીડીયો જોયા પછી તેણે ઝારખંડ પ્રશાસનને મદદ માટે આજીજી કરી, પછી અમદાવાદ પોલીસે એકશન લઇને તેને તાત્કાલિક સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો.

(3:29 pm IST)