Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

યુપીમાં તમામ પક્ષોએ કોરોનાની ગંભીરતા સમજીઃ સરકારને આલોચના સાથે આવકાર બંને આપ્યા

લખનૌઃ ઉત્તર પ્રદેશના કોરોના વાયરસના કારણે દેશભરની સાથે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે રાજયમાં બધા રાજકીય પક્ષોના નેતાઓએ કોરોનાની ગંભીરતાને સમજી સરકારની આલોચનાની સાથે સાથ તમામ મુદે તેનો સાથ પણ આપ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાની જવાબદારીઓ નિભાવી રહયા છે. ત્યારે વિપક્ષી નેતાઓ પણ રાજયના ખુણે ખુણે શું થઇ રહયું છે. તે જાણી સરકારને અરીસો બતાવવાની સાથે પીઠ પણ થપથપાવી રહયા છે.

૨૪ કલાક કાર્યરત યોગી આદિત્યનાથ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના વાયરસથી પોતાના પ્રદેશવાસીઓની રક્ષા માટે પુરી રીતે તત્પર છે. વાયરસને કઇ રીતે ખતમ કરી શકાય તે તેમની પ્રાથમીકતા છે. લોકડાઉનમાં જનતાને કોઇ પરેશાની ન થાય તે માટે પોતાની ટીમ સાથે સવાર થી રાત સુધી બેઠકોનો ધમધમાટ દ્વારા મુશ્કેલીઓનું નિરાકરણ કરી રહયા છે. આ બધી માહિતીઓ ટવીટ કરી જનતાને નિર્ણયો-પગલાઓથી અવગત પણ કરાવે છે. હોટસ્પોટ અંગેનો તેમનો નિર્ણય દેશભરમાં મોડલ બનેલ. ઘણા વિપક્ષી નેતાઓના સલાહ સુચન ઉપર વિચાર અને ચર્ચા બાદ તેને લાગુ કરેલ. પોતાના જ નહિ પણ  વિપક્ષી નેતાઓ તરફથી પણ આ નિર્ણય માટે અભિનંદન મળ્યા.

સરકારને વિવિધ મુદે ઘેરતા અખીલેશ

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખીલેશ યાદવે છેલ્લા એક મહિનામાં પોતાના ટવીટર એકાઉન્ટ દ્વારા કોરોના વાયરસ અને લોકડાઉનના સમયમાં થઇ રહેલ મુશ્કેલીઓ અને સરકારના રાહત કાર્યક્રમો ઉપર નજર રાખી રહયા છે. જરા પણ ચુક થયે સરકારને ઘેરે છે. અને લોકોની પરેશાનીઓને જોઇને તેમનો અવાજ બની જાય છે. તેમણે પહેલા જ દિવસથી સરકારને  who ની ગાઇડલાઇનના પાલનની વાત કરી હતી. નર્સ, વોર્ડ સ્ટાફ, લેબ ટેકનીશ્યન, ઓપરેટરો, ઓફીસ એડમીન સ્ટાફ, સ્વચ્છતા અને સુરક્ષાકર્મીઓને પણ તુરંત પ્રોટેકશન કીટ ઉપલબ્ધ કરાવવાની માંગણી કરેલ. ઉપરાંત તેમણે લોકોને ભેદભાવ-મતભેદ છોડી એક જુટ થવાનો સંદેશ આપેલ. શ્રમીકો અને ભુખ્યા લોકોને ભોજનની માંગ કરેલ.

પ્રિયંકા  ગાંધીએ વાસ્તવીકતા પણ દેખાડી, આભાર પણ માન્યો

કોંગ્રેસના મહાસચીવ પ્રિયંકા ગાંધી કોરોના અને લોકડાઉનના સમયે પડતી મુશ્કેલીઓ માટે લોકોનો અવાજ બન્યા અને માંગો પુરી થતા આભાર પ્રગટ કરવામાં પાછા પણ નથી પડયા. લોકડાઉનમાં અન્ય રાજયોના મજુરોની આર્થીક મદદ હોય કે પછી દિલ્હી-મુંબઇથી ચાલીને ઘરે પહોંચેલાનો સંઘર્ષ હોય કે સસ્તા ભુસાની માંગ હોય. આ તમામ મુદાની સરકારના ધ્યાને મુકવામાં કોઇ કસર નથી છોડી. કેટલાક મુદે પ્રિયંકાએ સ્લોગન બનાવી સરકારના ધ્યાને મુકવાનો પ્રયાસ કરેલ. બરેલીના કેમીકલવાળા મુદે સરકારને વાસ્તવિકતા દેખાડતા કહ્યુ કે મહેરબાની કરીને અમાનવીય કામ ન કરો.

માયાવતી દ્વારા સરકારના કામના  વખાણઃ પોતાના સાંસદો-ધારાસભ્યોને ૧- ૧ કરોડ આપવા નિર્દેશ

બસપા સુપ્રિમો માયાવતીએ ૨૪ માર્ચથી લઇને ૨૨ એપ્રિલ સુધીમાં લગભગ ૯ ટવીટ કરી કોરોના વાયરસમાં લોકડાઉન દરમિયાન સરકારની યોજનાની પ્રશંસા કરી. સાથ દેવાની સાથે માયાવતીએ ઘણી જગ્યાએ વિરોધ પણ દર્શાવ્યો હતો. લોકડાઉનમાં સામાન્ય લોકો મજુરોને રોજ બરોજની પરેશાનીઓથી બચાવવા સરકાર પાસે જરૂરીયાતની વસ્તુ અપાવવા અપીલ કરેલ. તે કોટાના છાત્રોના  ઘર વાપસીઓ મુદો હોય, મજુરોનો હોય માયાવતીએ તેમના માટે મદદ માટે સરકારને જણાવેલ. સૌથી મહત્વની વાત એ છે માયાવતીએ પક્ષના બધા સાંસદો-ધારાસભ્યોને ઓછામાં ઓછા ૧-૧ કરોડ રૂપિયા ગ્રાન્ટમાંથી આપવા નિર્દેશ કરેલ.

(3:27 pm IST)