Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

લોકડાઉન ઇફેક્ટઃ કર્ણાટકના નશાબંધી- આબકારી વિભાગ પાસે પગાર ચૂકવવા માટે નાણાં ખુટી પડ્યાં

ગત 25 માર્ચથી કર્ણાટકમાં દારૂનું વેચાણ બંધ છે, બાર અને પબમાં પણ તાળા લાગ્યાં

બેંગાલુરુઃ કોરોનાના સંક્રમણને રોકવા માટે લાગુ કરાયેલ લોકડાઉનને કારણે રાજ્યોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. કર્ણાટકની આબકારી વિભાગની તિજોરી હવે ખાલી થતા કર્મચારીઓના પગાર ચુકવવાના નાણાં પણ સરકાર પાસે નથી રહ્યાં.

એક ખાનગી ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ કર્ણાટકનાં આબકારી મંત્રી એચ.નાગેશ ચિંતિત બન્યાં છે, હવે પગાર સહિતના અન્ય ખર્ચ કરવા માટે પૈસા નથી રહ્યાંં. તેમણે મુખ્યમંત્રી બી એસ યેદુયુરપ્પાને રજૂઆત કરી છે કે લોકડાઉનના સમયમાં વિદેશી દારૂની દુકાનો શરૂ કરવા માટે પરવાનગી આપવામાં આવે. ગત 25 માર્ચથી કર્ણાટકમાં દારૂનું વેચાણ બંધ છે, બાર અને પબમાં પણ તાળા લાગ્યાં છે. ત્યારે આ સ્થિતિમાં કર્ણાટક સરકારને દર મહિને રુપિયા 1800 કરોડની ખોટ જઇ રહી છે.

જો કે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ વિદેશી દારુની દુકાનો ખોલવાની મંજૂરીની શક્યતા ખુબ જ ઓછી છે, બીજી બાજુ લોકડાઉનની મર્યાદા લંબાઇ શકે તેમ છે.તો એક મહિનામાં કરોડોના નુકસાન બાદ વિદેશી દારુની દુકાનના વેપારીઓથી માંડીને કંપનીઓ પણ કેટલીક રાહત માંગી રહી છે, ત્યારે હવે આ સ્થિતિ લાંબી રહી તો અન્ય રાજ્યોમાં આવી સ્થિતિ ઉભી થઇ શકે તેમ છે.

(2:03 pm IST)