Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોરોના તથા લોકડાઉન વચ્ચે દેશમાં

સલૂન તથા બ્યુટીપાર્લરનો અબજો રૂપિયાનો અધ..ધ...ધ... બિઝનેસ સાચે જ 'લોક' અને 'ડાઉન' થઇ ગયો

છેલ્લા ૧૦ વર્ષ દરમ્યાન 'બ્યુટી ટ્રીટમેન્ટ' પાછળ ખર્ચ વધતા આ પ્રોફેશન રપ થી ૩૦ ટકાની તેજી સાથે સતત વધી રહ્યો હતોઃ અચાનક બ્રેક લાગી ગઇઃ સલૂન તથા પાર્લરના સંચાલકો તથા તમામ સપોર્ટીંગ સ્ટાફ આર્થિક ભીંસમાં આવી પડયોઃ COVID 19 ને કારણે મેરેજ ફંકશન્સ કેન્સલ થતા હજ્જારો-લાખો રૂપિયાના એડવાન્સ બુકીંગ પર પાણી ફરી વળ્યું: આકર્ષક દેખાવવા દરેકને ફેસીયલ, હેરકટીંગ, વેકસ, હેરપેક, બ્યુટી પેકેજીસ વિગેરે માટે હાલમાં મોં માંગ્યા રૂપિયા આપવા છે, પરંતુ બ્યુટીપાર્લર અને સલૂન ખૂલે તો ને ? : ભારતમાં 'બ્યુટી ઇન્ડસ્ટ્રી' ૪પ૭પ અબજ રૂપિયાની છે!!

રાજકોટ તા. ર૭ : ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાયેલ વૈશ્વિક મહામારી કોરોના (COVID 19) એ ભય સાથે હાહાકાર મચાવી દીધો છે. જેને કારણે  તકેદારી રૂપે સમગ્ર ભારત દેશમાં લગભગ છેલ્લા સવા મહિનાથી સતત લોકડાઉન ચાલી રહ્યું છે અને નાના-મોટા તમામ બિઝનેસ ઉપર અસર પડી હોવાનું દેખાઇ રહ્યું છે.

કોરોના કહેર વચ્ચે સમગ્ર ભારતમાં હેરકટીંગ સલૂન તથા બ્યુટીપાર્લરનો અધ...ધ...ધ... કહી શકાય તેટલો આશરે ૪પ૭પ અબજ રૂપિયા (૬૦ અબજ ડોલર) નો બિઝનેસ ખરા અર્થમાં 'લોક' અને 'ડાઉન' થઇ ગયાનું જાણવા મળે છે. બ્યુટી ટ્રીટમેન્ટસ આપતી આ ઇન્ડસ્ટ્રી મંદીના ખપ્પરમાં હોમાઇ ગઇ હોવાનું એક સર્વેમાં જાણવા મળી રહ્યું છે.

હેરકટીંગ સલૂન તથા બ્યુટી-પાર્લર્સના સંચાલકો તથા તેઓનો સપોર્ટીંગ સ્ટાફ-હેલ્પર્સ સહિતના તમામ લોકો ભયંકર આર્થિક ભીંસમાં આવી પડયા છે. ઘણાંને તો રીતસરનો રોજગારીનો પ્રશ્ન ઉભો થઇ પડયો છે.

સાથે-સાથે વર્ષોથી હાલના સમયમાં જ લગ્ન સહિતના શુભ કાર્યો માટ ેમુહૂર્તો આવતા હોય છે જેને કારણે જમાના તથા સમયને અનુરૂપ મેરેજ ફંકશન્સ સહિતના કાર્યોમાં હેરકટીંગ સલૂન તથા બ્યુટી પાર્લરમાં હજ્જારો-લાખો રૂપિયાના પેકેજીસનું એડવાન્સ બુકીંગ થયું હતું. જે લગભગ તમામ કેન્સલ થતાં સલૂન તથા પાર્લર સંચાલકોની તથા સ્ટાફની સ્થિતિ કફોડી બની ગઇ છે. ઘણાંને તો એડવાન્સ બુકીંગ મની પણ પરત આપવા પડયા છે. આ પ્રોફેશનમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ સંદર્ભે પણ પ્રશ્નો થતાં હોય, લોકો અસમંજસમાં દેખાઇ રહ્યા છે.

એસોચેમના એક સર્વે અનુસાર ભારતમાં હાલમાં લોકો વિવિધ બ્યુટી પ્રોડકટસ અથવા તો તેની સાથે જોડાયેલ સેવાઓ ઉપર પુષ્કળ ખર્ચ કરી રહ્યા છે.

છેલ્લા ૧૦ વર્ષ દરમ્યાન વિવિધ બ્યુટી ટ્રીટમેન્ટસ જેવી કે હેરકટસ, હેરમસાજ, આઇબ્રો, કલીનઅપ, વિવિધ જાતના વેકસ, મેની કયોર, પેડીકયોર, વિવિધ શેઇપ સાથેની શેવિંગ્સ, સ્ટ્રેઇટનિંગ, વિવિધ રંગોના હેરકલર્સ, માથામાં મહેંદી, ફેસીયલ (ફ્રુટ,ગોલ્ડ, કલાસિક, ગેલ્વેનિક, શહેનાઝ, LED લાઇટ થેરા૫ી, એન્ટી એજીંગ, બ્રાઇટનીંગ, કેમીકલ પીલ્સ વિગેરે) વિગેરે પાછળ લોકો વધુને વધુ ખર્ચ કરવા લાગ્યા છે. જેને કારણે આ પ્રોફેશન વાર્ષિક રપ થી ૩૦ ટકાની તેજી સાથે સતત વધી રહ્યો છે. જેમાં કરોના તથા લોકડાઉનને કારણે અચાનક બ્રેક લાગી ગઇ છે.

હાલના પ્રોજેકશન અને એક્ષપોઝરના જમાનામાં મોટાભાગનાને અન્ય કરતા આકર્ષક -દેખાવડું  અને ઉંમરમા નાના હોવાનું સાબિત કરવું છે ત્યારે હાલના લોકડાઉનના સમયમાં ફેસીયલ, હેરકટીંગ, વેકસ, હેરપેક, શેવિંગ, બ્યુટી પેકેજીસ વિગેરે માટે સંબંધિત લોકો મોં માંગ્યા રૂપિયા આપવા તૈયાર છે. પરંતુ સો મણનો પ્રશ્ન એક જ છે કે અલ્ટ્રામોર્ડન  બ્યુટીપાર્લર્સ કે  હેરકટીંગ સલૂન્સ ખૂલે તો  ને ?

વાળ કપાવવા માટે લાખો સેના-આર્મી જવાનોને પણ મુશ્કેલી

સતત લોકડાઉનને કારણે લોકોની સાથે-સાથે વાળ કપાવવા કે સેટ કરવા માટે સમગ્ર દેશના આશરે ૧પ લાખથી વધુ સેના તથા આર્મી જવાનોને પણ મુશ્કેલી પડી રહી હોવાનું જાણવા મળે છે. વિવિધ લશ્કરી પાંખો (આર્મી, નેવી, એરફોર્સ) કે સેનાઓમાં તો જવાનોને  ડીસીપ્લીનના ભાગરૂપે ફરજિયાત નિયમ મુજબ વાળ રાખવા પડે છે.

એક સર્વે અનુસાર

ભારતના સ્ત્રી-પુરૂષો દ્વારા બ્યુટી  ટ્રીટમેન્ટસ પાછળ થતો સંભવિત ખર્ચ

- મહિલા- મહિનામાં ર થી પ  હજાર રૂપિયા સુધી

- પુરૂષ- મહિનામાં પ રૂપિયાથી ર હજાર રૂપિયા સુધી

- એસોચેમના સર્વે અનુસાર વર્ષ ર૦૧૮માં સમગ્ર દેશમાં બ્યુટી ટ્રીટમેન્ટસ પાછળ મહિલાઓ દ્વારા આશરે ૧૮૦૮ કરોડ રૂપિયા ખર્ચ થયો હતો.

જયારે પુરૂષો દ્વારા આ જ સમયમાં આશરે ર૯૮ કરોડ જેટલો ખર્ચ બ્યુટી ટ્રીટમેન્ટસ પાછળ કરાયો હતો. હાલમાં આ આંકડો વધારે હોઇ શકે છે.

(11:35 am IST)