Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

૩ જી મે પછી પણ

શાળા - કોલેજો- મોલ- થિયેટર તો બંધ જ રહેશે

નવી દિલ્હી,તા.૨૮: કોરોના વાયરસના વધતા પ્રભાવને જોતા જોરદાર શકયતા છે કે લોકડાઉન ૨.૦ સમાપ્ત થયા પછી પણ દેશમાં શાળાઓ, મોલ, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને સિનેમા ઘરો બંધ રહેશે. વડાપ્રધાન મોદીએ સોમવારે મુખ્ય પ્રધાનો સાથે વીડીયો કોન્ફરન્સ દ્વારા વાતચીતમાં ચેતવણી આપી હતી કે આ જોખમ જલ્દી નહીં હટે. તેમણે મુખ્ય પ્રધાનોને ત્રણ મે એ લોકડાઉનના બે તબકકા પુરા થયા પછી આગળની યોજના બનાવવાનું પણ કહ્યું હતું.

તેમણે કોરોના સામેના અભિયાનને ચાલુ રાખવાની સાથે જ દેશની અર્થવ્યવસ્થાને સુદ્રઢ બનાવવા પર પણ ધ્યાન આપવાનું જરૂરી ગણાવ્યું હતું. મુખ્ય પ્રધાનો સાથે આ મહામારી માટે ચોથી વિડિયો કોન્ફરન્સમાં તેમણે એ વાત પર પણ ભાર મુકયો કે દેશભરમાં લોકડાઉનના સકારાત્મક પરિણામો મળ્યા છે અને દેશ છેલ્લા દોઢ મહિનામાં હજારો જીવ બચાવી ચુકયો છે.

આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીએ કહ્યું કે, કોરોના વાયરસને ખતમ નહીં કરી શકાય અને સંક્રમણને રોકવા માટે પુરતી તકેદારી રાખીને આપણે તેની સાથે જ જીવવું પડશે. જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકડાઉને ક્રમબધ્ધ રીતે દૂર કરવાનું કહ્યું હતું. તો હિમાચલ પ્રદેશ, ગોવા, અને મેઘાલયના મુખ્ય પ્રધાનોએ લોકડાઉન લંબાવવાની ભલામણ કરી હતી.

રેડ ઝોન અથવા હોટસ્પોટ ગણાતા વિસ્તારો લોકડાઉન લંબાવવાની શકયતાઓ વચ્ચે એવી પણ જોરદાર અટકળો થઇ રહી છે કે અતિ અસર ગ્રસ્ત વિસ્તારોની બહાર ખાનથી વાહનો અને આર્થિક ગતિવિધિઓ સહિત કેટલીક છુટછાટો આપી શકાય છે. જો કે મોટા ભાગના લોકોનું માનવું છે કે સાર્વજનિક પરિવહનના સાધનો, શાળ કોલેજો તથા ધાર્મિક કાર્યક્રમો સહિતના સાર્વજનિક સમારંભો પર પ્રતિબંધો ચાલુ રહેવા જોઇએ.(૨૨.૧૮)

 

(11:31 am IST)